સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

વેરાવળઃ ફારેસ્ટ કર્મચારી ઉપરના હુમલા કેસમાં આરોપીને બે વર્ષની સજા

વેરાવળ તા.૩ : ફોરેસ્ટના કર્મચારી ઉપર કરેલ હુમલાના કેસમાં એક આરોપીને બે વર્ષની સખ્ત કેદની સજા અને દંડની સજા વેરાવળની એડીશ્નલ સેશન્સ કોર્ટે ફટકારી હતી.

આ બનાવની હકીકત એવી છે કે ગઇ તા.૧ર-ર-ર૦૦૮ના રોજ જાવંત્રી-બામણાસા રોડ ઉપર જંગલ વિસ્તારમાં આરોપીઓ ડફેર કાળુ જુમા લાખા તથા ડફેર અબ્દુલ જુમા, રહે.બંને પાણીકોઠાવાળાએ જંગલી જનાવરનો શિકાર કરેલ હતો. તે વખતે ભાવેશભાઇ વીરાભાઇ બકોત્રા, ફોરેસ્ટ ગાર્ડ અને અરૂણ પરબત ડોકલ, ફોરેસ્ટ ગાર્ડ તે સમયે આ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન જંગલમાં બંદુક ફુટવાનો અવાજ આવતા અને આરોપીઓએ જંગલી પશુનો શિકાર કરેલ હોય તે સ્થળે પહોંચેલા તે વખતે આરોપી કાળુ જુમાએ ભાવેશભાઇને ડાબા હાથમાં છરી વડે ઇજા કરેલ અને આરોપી નં.રનાએ ગેરકાયદેરની દેશી બનાવટની બંદુક રાખી તથા અન્ય બે આરોપીઓ ડફેર સદામ કાસમ તથા રહેમતુલા ગની તે ગુનામાં મદદગારી કરેલ.

આ કેસ છેલ્લે વેરાવળના એડીશ્નલ સેશન્સ જ્જશ્રી એમ.જે.રાવલની કોર્ટમાં ચાલવા ઉપર આવેલ હતો અને તેમની કોર્ટમાં આખર દલીલો કરવામાં આવેલી. જે અનુસંધાને આખર ચુકાદા માટે મુદત મુકરર કરવામાં આવેલ હતી અને આ કામમાં આરોપી નં.૧ને કસુરવાર ઠરાવી સજા અંગે સુનાવણી કરી હતી. આ કામમાં ઉલ્લેખનીય છે કે, આરોપી નં.ર અબ્દુલ જુમા ચાલતા કામે અવસાન પામેલ તેથી તેમની સામેનો કેસ એબેટ કરવામાં આવેલ હતો અને બાકીના બંને આરોપી સામે કેસ ચાલેલ હતો. કોર્ટ આ કેસનો ચુકાદો આપેલ છે અને આરોપી નં.૧ કાળુ જુમા ડફેર સામે ઇપીકો કલમ-૩૩ર અંગેનો પુરાવો માની તેમને બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦૦૦નો દંડ ભરવાનો હુકમ કરેલ છે તેમજ જો દંડની રકમ ન ભરે તો વધુ ૧પ દિવસની સાદી કેદની સજા ભોગવવી તે મતલબે હુકમ કરેલ છે. આ કામમાં એપીપી ડી.વી.બોરીસાગર રોકાયા હતા.

(11:22 am IST)