સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd December 2022

આને કહેવાય મતદાનના બ્રાન્ડ એમ્બેસેડર, આ દાદાએ સદી પાર કરી મતદાન કરવાની જીવનની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી.

 

મોરબી : જીવનના અસ્તાચળે વ્યક્તિ ભક્તિ ભાવની વાતો કરે છે અને શક્ય હોય ત્યાં સુધી શ્રમ કરવાનું ટાળે છે તેમાંય ભારતમાં મતદાનની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો એક મોટો વર્ગ મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવે છે ત્યારે આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેમણે જીવનની સદી પૂર્ણ કર્યા બાદ પણ મતદાનની પોતાની પવિત્ર ફરજ ને નિભાવી છે ખરા અર્થમાં તો આવા લોકો જ મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર છે જે શારીરિક તકલીફોને અવગણીને પણ મતદાન કરવાનું ચૂકતા નથી વાત થઈ રહી છે, ટંકારાના કલ્યાણપર ગામના ૧૦૧ વર્ષના વયોવૃદ્ધ મતદાર ભુરાભાઈ હરખાભાઈ વાઘરીયાની..

  સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું વિલ કે વારસાઈ પત્રક બનાવે ત્યારે તેમાં પોતાની અંતિમ ઈચ્છા રજૂ કરે છે. વિશ્વમાં એવા અનેક ઉદાહરણ મળી આવે છે. જેમાં લોકોએ અંતિમ ઈચ્છામાં સ્વ-વિકાસની કે પરિવારને ફાયદો થાય તેવી માંગણી કરી હોય પરંતુ
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના રહેવાસી એવા ૧૦૧ વર્ષીય ભુરાભાઈ હરખાભાઈ વાઘરીયાએ તો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો નીર્ધાર કર્યો અને પોતાની અંતિમ ઈચ્છામાં મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જે અનુસાર તેમણે કલ્યાણપર ગામે મતદાન કરી યુવાનોને હંફાવે એવો જુસ્સો દાખવીને દેશના પ્રત્યેક નાગરિકને મતદાનની પવિત્ર ફરજને અદા કરવાની પ્રેરણા આપી હતી. તેમના આવા ઉદત કાર્યની નોંધ માત્ર મોરબી જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં લેવાઈ રહી છે

(12:29 am IST)