ગોંડલના શ્રીનાથગઢમાં નવોઢા કૂવામાં પડી, પતિએ બચાવવા માટે છલાંગ મારી
કપાસ વીણ્યા બાદ આરતીએ પાણી જોવા ડોકીયુ કરતાં અકસ્માતે પડી ગઇ, પતિ રાહુલ બચાવવા માટે કુદ્દયોઃ બંનેને ઇજાઓ થતાં સારવાર હેઠળ
રાજકોટ તા. ૨: ગોંડલના શ્રીનાથગઢમાં રહેતાં અને ગામમાં જ આવેલી વાડીમાં મજૂરી કરતું નવદંપતિ કૂવામાં પડી જતાં બંનેને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી હતી.
શ્રીનાથગઢમાં રહેતી આરતી રાહુલ સોલંકી (ઉ.૨૦) અને રાહુલ ગોપાલભાઇ સોલંકી (ઉ.૨૧) ગામના ભગુભાઇ પટેલની વાડીના કૂવામાં પડી જતાં પરિવારજનો અને બીજા મજૂરોએ બંનેને બહાર કાઢયા હતાં. અંદર પડી જવાથી પથ્થરો લાગતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. રાહુલ અને આરતીના છ મહિના પહેલા જ લગ્ન થયા છે. બંને માતા-પિતા અને પરિવારજનો સાથે વાડીએ કપાસ વીણવાની મજૂરી કરવા ગયા હતાં. એ પછી આરતી વાડીના કૂવામાં ડોકીયુ કરવા જતાં ખાડો હોઇ તેમાંથી લપસી પડી હતી અને અંદર ખાબકી હતી. તેને બચાવવા પતિ રાહુલ પણ કૂદી ગયો હતો. દેકારો થતાં પરિવારજનો, મજૂરો દોડી આવ્યા હતાં અને બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતાં.