સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 2nd July 2022

પરબધામના અષાઢી બીજના મેળામાં શ્રધ્‍ધાપૂર્વક સહભાગી થતા પ્રવાસન રાજ્‍યમંત્રી અરવિંદભાઇ રૈયાણી અને પશુપાલન રાજ્‍યમંત્રી દેવાભાઇ માલમ

જૂનાગઢઃ ભક્‍તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમા પરબ ધામ ખાતેના અષાઢી બીજના પાવન ઉત્‍સવમાં પરિવહન અને યાત્રાધામ વિકાસના રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી અને પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીઓએ પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુ સાથે ભાવસભર મુલાકાત કરી, જનસેવાના આશીર્વાદ મેળવ્‍યા હતા. ત્‍યારબાદ મંત્રી શ્રીઓ અરવિંદભાઈ રૈયાણી અને દેવાભાઈ માલમ સહિત અન્‍ય મહાનુભાવો એ પણ દેવીદાસ બાપુ અને અને અમર માની સમાધીને શીશ નમાવી ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ભાવિકોને અષાઢી બીજના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી. પરબધામના આ સુપ્રસિદ્ધ મેળામાં વિશાળ સંખ્‍યામાં માનવ મહેરામણ ઉમટી પડ્‍યું હતું. આ સાથે ભાવિકોએ લોકમેળાનો આનંદ માણી મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આ મેળાને મોકુફ રાખવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ આ પ્રથમ વખત લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.અષાઢી બીજના પવિત્ર પર્વએ જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલને લીધે મેળામાં ભાવિકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. (અહેવાલ : વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(1:59 pm IST)