સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 2nd March 2021

પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પાડી આપે ભાડેરની સીટ જીતી લીધી

કોંગ્રસ માટે ફરી એક વખત માઠા સમાચાર : રાજ્યના શહેરોમાં એન્ટ્રી બાદ ગામડાઓમાં પણ આમ આદમી પાર્ટીના પ્રવેશથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય

અમરેલી, તા. ૨ : મહાનગરપાલિકાની ચૂંટણી બાદ જીલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે રિઝલ્ટ આવી રહ્યું છે. શહેરોમાં મતદારોને આકર્ષિત કરવાની કોશિશોમાં સફળતા મળ્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ આપ કંઈક નવું કરે તેવી સંભાવનાઓ વચ્ચે કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં આપે ગાબડું પાડ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સફાયો કર્યા બાદ હવે ધારીમાં ગાબડું પાડ્યું છે.  મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસને મુખ્ય પક્ષો તરીકે જોવામાં આવતા હતા પરંતુ આપે ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી કરી છે. હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે આવનારા પરિણામમોમાં આપ કેટલી સફળ થાય છે તેના પરથી ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા વિધાનસભા માટે સ્ટ્રેટેજી ગોઠવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે અમરેલી જિલ્લાના ધારીના ભાડેરમાં બેઠક જીતીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે.

વિપક્ષના નેતા અને કોંગ્રેસમાં મોટું નામ ધરાવતા ધારાસભ્ય પરેશ ધાનાણીના ગઢમાં આપે ગાબડું પાડીને રાજકીય પક્ષોમાં આશ્ચર્ય જન્માવ્યું છે. ગુજરાતના શહેરોમાં એન્ટ્રી કર્યા પછી હવે ગામડાઓમાં પણ આપે એન્ટ્રી કરી દીધી છે. આ સાથે આપની સ્થાનિક ટીમો દ્વારા ઉજવણીઓ પણ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં આ બાબતોને ધ્યાનમાં રાખીને વિધાનસભાની ચૂંટણીમાં પણ મોટા ફેરફારો જોવા મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આજે ગુજરાતમાં ૮૧ પાલિકા, ૨૩૧ તાલુકા અને ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણીની ૫૪૨ સ્થળે મતગણતરી યોજાઈ રહી છે, જેમાં ૨૨૨૦૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે.

રવિવારે પાલિકાના ૨૭૨૦માંથી ૨૬૨૫ બેઠક, જિલ્લાની ૯૮૦માંથી ૯૫૫ તેમજ તાલુકાની ૪૭૭૪ પૈકી ૪૬૫૭ બેઠકો માટે મતદાન થયું હતું. આ મતદાનની સ્પષ્ટ થયેલી ટકાવારી મુજબ પાલિકામાં સૌથી ઓછું ૫૯.૫ ટકા મતદાન થયું છે જે ૨૦૧૫માં ૬૨.૭૭ ટકા અને ૨૦૧૬માં યોજાયેલ ૨૭ પાલિકાની ચૂંટણીમાં ૭૨.૭૫ ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે જિલ્લા પંચાયત માટે ૬૬.૬૭ ટકા થયું થે જે ૨૦૧૫માં ૩૧ જિલ્લા માટે ૬૯.૫૫ ટકા થયું હતું. જે ૨.૮૮ ટકા ઓછું જે જ્યારે તાલુકામાં આ વખતે ૬૯.૫૫ ટકા થયું છે જે ૨૦૧૫માં ૬૯.૨૮ ટકા હતું જે ૨.૪૨ ટકાનો ઘટાડો દર્શાવે છે.

(8:07 pm IST)