ભાવનગરના ભીડભંજન નજીક નિવૃત કર્મચારી પાસેથી 80 હજારની થેલીની લૂંટ ચલાવી બાઇકસવાર ફરાર
ભાવનગરના ભીડભંજન નજીક નિવૃત્ત કર્મચારી રીક્ષામાંથી ઉતર્યા ત્યારે બાઇક પર આવેલા શખ્સે તેમના હાથમાંથી 80 હજાર રૂપિયા ભરેલી થેલીની લૂંટ ચલાવી નાસી ગયો હતો. શહેરના સિદસર રોડ પર રહેતા અને લૂંટનો ભોગ બનેલા નિવૃત્ત કર્મચારી ગજુભા રાયજાદાએ જણાવ્યું હતું કે, હું કાળીયાબીડ રામમંત્ર મંદિર નજીકથી રીક્ષામાં બેઠો હતો. હું રીક્ષામાં વચ્ચે બેઠો હતો ત્યારે ચાલુ રીક્ષામાં એક શખ્સ મારી પાસે રહેલી થેલીમાં હાથ નાખવા જતો હોવાનું જોઈ જતાં મેં થેલીને સાચવી રાખી હતી. રીક્ષા ભીડભંજન નજીક પહોંચતા હું ઉતરી ગયો હતો. દરમિયાન જાકીટ પહેરલો વ્યક્તિ હોન્ડા બાઇક પર આવ્યો હતો અને તેમના હાથમાંથી રૂપિયા 80 હજાર ભરેલી થેલી આંચકીને જતો રહ્યો હતો
આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી પૂછપરછ કરી ગજુભા રાયજાદાને નિલમબાગ પોલીસ મથકે લઈ જઈ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં LCB, SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. ASP સફિન હસને આ ઘટના બાબતે જણાવ્યું હતું કે, ગજુભા રાયજાદાના જણાવ્યા મુજબ રૂપિયા 85 હજારની ચીલઝડપ થઈ છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે. LCB,SOG અને પોલીસની ટીમ કાર્યરત છે અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી લઈશું તેવો વિશ્વાસ કર્યો હતો.