સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો સંદર્ભે પદાધિકારી અને અધિકારીઓ સાથે બેઠક યોજતા બ્રિજેશ મેરજા

પીવાના પાણી, સિંચાઇ તેમજ પંચાયતના વિવિધ પ્રશ્નોને ઝડપી નિવારવા અધિકારીઓને તાકીદ કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લાના પીવાના પાણી, નર્મદા નહેર અને સિંચાઈ તેમજ પંચાયતને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ગત ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ તકે શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્‍વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ નગરપાલિકાના પીવાના પાણીના પ્રશ્નો અંગે અગાઉ થયેલી બેઠકની વિગતો, નર્મદા નહેર સબંધિત વિવિધ ગામના પ્રશ્નોની સબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી સૂચનો તેમજ કરેલ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા કેનાલ વિસ્‍તારના ગામડાઓમાં કેનાલ સબંધિત વર્ક ઓર્ડર બાકી હોય ત્‍યાં ઝડપી ઓર્ડર કરવા તેમજ વર્ક ઓર્ડર અપાઈ ગયા છે ત્‍યાં ઝડપી કામ શરૂ કરવા જણાવ્‍યું હતું. વધુમાં શાપરમાં નવા પંચાયત ઘર તેમજ જૂના ઘાંટીલામાં નહેર પસાર થાય છે ત્‍યાં પાણીના નિકાલ માટે વ્‍યવસ્‍થા સબંધિત રજૂઆતો સાંભળી તેનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર વાય.એમ. વંકાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી સુરેશભાઈ દેસાઈ અને વલમજીભાઈ તેમજ વિવિધ પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:59 pm IST)