Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કિલનચીટ મળી એ જ મુદ્દા ત્રીજી વખત ઉભા કરી આક્ષેપો કરાયા છે

આક્ષેપો દમ વિનાના હોવાનો પત્રકાર પરિષદમાં દાવો કરતા યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરા

જૂનાગઢ તા. ૨૦ : માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરાએ ગઇકાલે તેમના નિવાસસ્થાને પત્રકાર પરિષદ બોલાવી તેમના વિરૂધ્ધ થયેલ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.

જુનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પાસેથી રૂ. ૭.૭૧ કરોડથી વધુ વસુલાત માટે રજીસ્ટ્રારે યાર્ડના નિયામકને દરખાસ્ત કર્યાના અહેવાલોને પગલે ભીખાભાઇ ગજેરાએ પત્રકાર પરિષદ યોજી જુદા-જુદા મુદ્દાઓ રજુ કર્યા હતા અને પોતાની સામેના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર અને માત્ર સત્તા મેળવવા મારી સામે આક્ષેપો કરાય છે અને વર્ષોથી આ ત્રીજી વખત એકના એક મુદ્દા રજુ કરી અરજી થાય છે જેનો જેતે વખતે મે જવાબ પણ આપ્યો હતો અને એ અરજીઓની નિયામકે જેતે વખતે કિલનચીટ આપી હતી છતાં ફરી વખત એ જ મુદ્દા ઉપસ્થિત કરવાનો કોઇ અર્થ ખરો એવો સવાલ તેમણે કર્યો હતો.

તેમણે વારંવાર આવા આક્ષેપો કરનાર સામે હવે કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવા ચીમકી આપી હતી અને હાલ યાર્ડ પર એકપણ પ્રકારનો બોજા નહોવાનું અને યાર્ડનો સતત વિકાસ થયો હોવાનું જણાવેલ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં યાર્ડની ચુંટણી આવી રહી છે એ સમયે આ વાતને ચગાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેઓએ પત્રકાર પરિષદમાં તેમના પર થયેલ આક્ષેપો અંગે જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર કર્યો હતો. આક્ષેપ કરનાર ભ્રષ્ટાચાર સાબિત કરી દયે નહી તો બદનક્ષીના કેસનો સામનો કરવા તૈયાર રહેવા હુંકાર કર્યો હતો.(૨૧.૨૦)

(3:03 pm IST)