Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જૂનાગઢની માનસી નાગ્રેચાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠીત ગુણવંતભાઈ ગણાત્રા અકિલા સુવર્ણચંદ્રક રાજ્યપાલના હસ્તે એનાયત

મૂળ બીલખાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચા અને સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા પરિવારનું ગૌરવ : પત્રકારત્વના અભ્યાસક્રમમાં સૌથી વધુ ગુણ મેળવનાર માનસી નાગ્રેચાનું યુનિવર્સિટીમાં બહુમાન

રાજકોટ, તા. ૨૦ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલા પદવીદાન સમારોહમાં પત્રકારિત્વ (એમ.જે.એમ.સી.)ના અભ્યાસક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા જૂનાગઢની તેજસ્વી છાત્ર માનસી નાગ્રેચાને રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે પ્રતિષ્ઠીત સ્વ. ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા (અકિલા - જય સૌરાષ્ટ્ર પ્રેસ) સુવર્ણચંદ્રક (ગોલ્ડ મેડલ) તેમજ જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વ. શ્રી વિક્રમ કિશોર બુચ પારિતોષિકની અર્પણવિધિ રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવી હતી. જેને પગલે પત્રકાર જગતમાંં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

લોહાણા રઘુવંશી સમાજના ગૌરવરૂપ એવા મૂળ બિલખા ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચા અને સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા પરિવારમાંથી આવેલ માનસી નાગ્રેચાએ જૂનાગઢ ખાતે બી.કોમ.ની પરીક્ષા ટોપમાં પાસ કર્યા બાદ પિતા જગડુશાભાઈ નાગ્રેચા કે જેઓ જૂનાગઢના જાણીતા પત્રકાર અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક તેમજ ન્યુઝ ચેનલના સબ એડિટર તરીકે સેવા બજાવે છે. તેમના પથ ઉપર કદમ માંડી અને જૂનાગઢ ખાતે ડો. સુભાષ જર્નાલિઝમ કોલેજમાં બીજેએમસી (પત્રકારિત્વ)માં અભ્યાસ કરી કોલેજ ફર્સ્ટ આવ્યા બાદ વધુ અભ્યાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પત્રકારત્વ ભવનમાં અભ્યાસ કરેલ અને અભ્યાસ દરમ્યાન રચનાત્મક, સામાજીક અને લોકજાગૃતિ, એડ. ફિલ્મ, શોર્ટ ફિલ્મ જેવા પ્રોજેકટો તેમજ રચનાત્મક પ્રવૃતિમાં આગળ પડતો ભાગ લીધો હતો.

એપ્રિલ ૨૦૧૭માં લેવાયેલી એમજેએમસી (માસ્ટર જર્નાલિઝમમાં) ફરી એકવાર ટોપ સ્થાને માનસી નાગ્રેચા રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવલે છે અને તા. ૨૦મી જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલા દબદબાભેર પદવીદાન સમારોહમાં પત્રકારિત્વ ક્ષેત્રે મળતા સર્વોચ્ચ એવોર્ડ એવા સ્વ. ગુણવંતભાઈ લાલજીભાઈ ગણાત્રા સુવર્ણચંદ્રક અને સ્વ. વિક્રમ કિશોર બુચ પારિતોષિક એનાયત કરવામાં આવેલ છે. આ તકે ડો. જયદિપસિંહ ડોડીયા તેમજ બેંગ્લોરની સ્વામિ વિવેકાનંદ યોગ-અનુસંધાન સંસ્થા ડ્રીમ યુનિવર્સિટીના ચાન્સેલર ડો. એચ.આર. નાગેન્દ્ર અને મહાનુભાવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકારત્વ ક્ષેત્રે ઉચ્ચ પદવી અને સફળતાના શિખર સર કરી પારિતોષિક ગોલ્ડ મેડાલિસ્ટની પદવી ધારણ કરનાર માનસી નાગ્રેચાએ સૌ પ્રથમ તો પોતાનુું જે સન્માન થઈ રહ્યુ છે તે અંગે સહુનો હૃદયપૂર્વક આભાર માની વધુમાં જણાવ્યુ હતુ કે ઈશ્વરીય કૃપા મહેનતનું ફળ તેમજ પરિવારજનોએ આપેલ પ્રેરણા તેમજ સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવેલ તેના પ્રેરકબળને કારણે સતત આગળ વધવા પ્રયાસ કરેલ જેમા સાચી તમામ સહધ્યાયીઓ અને માર્ગદર્શન આપનારા અધ્યાપકશ્રીઓનો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો. પત્રકારિત્વ ક્ષેત્રની સાથે ચાઈલ્ડ એજ્યુકેશન બાબતે પણ માનસી નાગ્રેચાના વિચારો અને નોલેજ વિશેષ છે. દરમ્યાન માનસી નાગ્રેચાએ પત્રકારિત્વના અભ્યાસક્રમમાં મેળવેલ સિદ્ધિ બદલ લોહાણા સમાજ, નાગ્રેચા પરિવાર અને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવારનું ગૌરવ વધારેલ છે, ત્યારે પત્રકારિત્વના અભ્યાસક્રમમાં ગૌરવરૂપ એવોર્ડ પ્રાપ્ત કરનાર માનસી નાગ્રેચાને અભિનંદન સાથે શુભકમનાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:26 am IST)