Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ફાળદંગની સીમમાં કાળુભાઇની વાડીના કૂવામાંથી અજાણી મહિલાની લાશ મળી

શરીર પર ઇજાના કોઇ નિશાન નથીઃ ગઇકાલે જ કૂવામાં પડ્યાની શકયતાઃ ઓળખ મેળવવા પોલીસની મથામણ

રાજકોટ તા. ૧૮: કુવાડવાથી રફાળા જવાના રોડ પર ફાળદંગ ગામની સીમમાં આવેલી કાળુભાઇની વાડીના કૂવામાંથી અજાણી આશરે ૪૫ થી ૪૮ વર્ષની વય ધરાવતી મહિલાની લાશ મળી આવતાં ચર્ચા જાગી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને બનાવ કઇ રીતે બન્યો તે જાણવા મથામણ શરૂ કરી છે.

કાળુભાઇની વાડીમાં આજે સવારે મજૂરો કપાસ વીણવા આવ્યા હતાં. તેમાંથી એક-બે મજૂરો કૂવામાંથી પાણી લેવા ગયા ત્યારે અંદર મહિલાની લાશ તરતી જોઇ ગભરાઇ ગયા હતાં. વાડી માલિકને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઇ. આર. પી. મેઘવાળ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો.

મૃતક મહિલાએ બ્લુ રંગનો ચણીયો, લીલા રંગનું બ્લાઉઝ પહેર્યા છે. જમણા હાથમાં પ્લાસ્ટીકનો પીળી ધાતુવાળો પાટલો પહેર્યો છે. માથાના વાળ કાળા છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. ગઇકાલે જ આ મહિલા કૂવામાં પડ્યાનું લાશ જોતાં જણાય છે. ગળાના નીચેના ભાગે મોટા છૂંદણા કરાવેલા છે. વર્ણે શ્યામ છે. દેખાવે પરપ્રાંતિય હોય તેવા જણાતાં હોઇ આસપાસની વાડીઓમાં કામ કરતાં મજૂરોને બોલાવી ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. તસ્વીરમાં દેખાતાં મહિલાના વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૪૪૩૨ અથવા મો. ૭૯૮૪૭ ૪૦૪૭૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)