Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ચોટીલા મંદિરના પુજારીને પ્લોટ પ્રશ્ને ચાલતી માથાકુટનો ખાર રાખી તેના સાળાને રાજકોટમાં ધમકી

આજી ડેમ ચોકડી પાસે ઉમેશપુરીને આંતરી ચોટીલાના દાઉદ દલ તેનો ભાઇ રજાક દલ સહિત ત્રણ શખ્સોએ બોલેરોમાં આવી ડખ્ખો કર્યોઃ ત્રણની ધરપકડ

રાજકોટ, તા., ૧૮:ચોટીલા મંદિરના પુજારીને પ્લોટ બાબતે ચાલતી માથાકુટનો ખાર રાખી બોલેરોમાં આવેલા ત્રણ શખ્સોએ પુજારીના સાળાને આજી ડેમ ચોકડી પાસે આંતરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભેંસાણના ખાખરા હળમતીયા ગામમાં શીવ મંદિરની સામે રહેતા ઉમેશપુરી હરસુખપુરી ગોસ્વામી (ઉ.વ.૩૦)એ આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં ચોટીલા તળેટીમાં રહેતો દાઉદ કાળુભાઇ દલ, રજાક કાળુભાઇ દલ અને એક અજાણ્યો શખ્સના નામ આપ્યા છે. ઉમેશપુરીએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ટુ વ્હીલરનું ગેરેજ ચલાવે છે. પોતે બે ભાઇ અને બે બહેનો છે. જેમાં મોટા બેન નયનાબેન તે ચોટીલા ખાતે સાસરે છે અને મારા બનેવીનું નામ હરેશગીરી છેલગીરી ગોસ્વામી છે. જે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરમાં સેવા-પુજા કરે છે.

ત્રણ દિવસ પહેલા મારે તથા મારા બનેવીના ભાઇ નીરંજનગીરીને સુરેન્દ્રનગર ખાતે કોર્ટમાં હત્યાની કોશીષ અંગેની મુદત હોય જેથી તા.૧પ-૧ના રોજ હું તથા મારા બનેવી ચોટીલા ખાતે હરેશગીરીના ઘરે ગયેલ અને ત્યાં રોકાયા હતા. બાદ તા.૧૬-૧ના રોજ સુરેન્દ્રનગર ખાતે મુદતમાં અમો ત્રણેય ગયેલા મુદત પુરી કરી પાછા ચોટીલા ખાતે આવતા રહયા હતા અને હું મારા બનેવીને ઘરે રોકાયો હતો. બાદ મારા ભાણેજ પાર્થગીરી તથા સંદીપગીરી જે ત્રંબા પાસે આવેલ ગ્રીન ફાર્મ સ્કુલમાં ભણે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. જે બંન્ને ભાણેજ મકરસંક્રાંતીની રજા હોઇ જેથી ચોટીલા આવેલા અને બંન્ને ભાણેજને ત્રંબા ગ્રીનફાર્મ સ્કુલ તથા હોસ્ટેલ છે ત્યાં મુકવા જવાના હોઇ જેથી મારા બનેવી હરેશગીરીની જી.જે. ૩ જેસી ૧૮૧ નંબરની સ્કોર્પીયોમાં સવારે હું તથા ભરત ભારથી હિંમતભારથી ગોસાઇ (રહે. જોબાળા, તા. ચુડા), ગોવિંદભાઇ કાનાભાઇ રબારી (રહે. દુધેલી તા. ચોટીલા) તથા બંન્ને ભાણેજ અમો બધા ચોટીલાથી નિકળ્યા હતા અને ત્રંબા ખાતે બંને ભાણેજને હોસ્ટેલમાં મુકી ત્રણેય પરત આવતા હતા ત્યારે ગ્રીન ફાર્મ સ્કુલથી રાજકોટ બાજુ પુલ પાસે અમારી ગાડીની પાછળ નંબર વગરની બોલેરો ગાડીમાં દાઉદ કાળુ દલ તથા રજાક કાળુ દલ અને એક અજાણ્યો શખ્સ બેઠા હતા અને બોલેરોમાં અમારી સ્કોર્પીયોનો પીછો કરેલ જેથી અમો ગભરાઇ જતા સ્કોર્પીયો આજી ડેમ ચોકડી પાસે પોલીસ ચોકી નજીક પહોંચતા તેણે પોતાની બોલેરો આડી નાખી સ્કોર્પીયોને આંતરી રજાકે અને દાઉદે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બોલેરોમાં ભાગી ગયા હતા.

આ બનાવનું કારણ એ છે કે મારા બનેવી હરેશગીરીના પ્લોટ બાબતે આ રજાક કાળુભાઇ દલ તથા દાઉદ કાળુભાઇ દલ સાથે માથાકુટ ચાલતી હોય અને જેમાં મારામારીનો બનાવ બન્યો હતો અને અમારા વિરૂધ્ધ ફરીયાદ દાખલ થયેલ જેમાં આ દાઉદ દલને ઇજા થઇ હતી. જે કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલુ છે. તે બનાવનો ખાર રાખી આ દાઉદ કાળુ દલ અને રજાક કાળુ દલ તથા અજાણ્યા શખ્સે બોલેરોમાં પીછો કરી ધમકી આપી હતી. આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ સી.એસ.ચાવડા તથા રાઇટર જયદેવભાઇ સહીતે ચોટીલાના દાઉદ કાળુભાઇ દલ (ઉ.વ.૩૪) અને તેનો ભાઇ રજાક કાળુભાઇ દલ (ઉ.વ.૩૭) તથા અમીત મનસુખભાઇ વાલાણી (ઉ.વ.ર૩)ની ધરપકડ કરી હતી.

(12:59 pm IST)