Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

હળવદના માનસરમાં પતિ અને સાસુનું ડબલ મર્ડર કરનારા આરોપીઓ સકંજામાં:ઘટના સ્થળે પૂછતાછ

સુંવાળા સબંધો ધરાવતા કાકી-ભત્રીજાએ કઈ રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો તેનુ રિહર્સલ કરાવાશે

હળવદનાં માનસર ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીઓને ઝડપી લેવા પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં જે ઘરમાં બેવડી હત્યા થઈ તે ઘર દર્શાય છે. બાજુની તસ્વીરમાં પોલીસ અધિકારીઓ તપાસ કરી રહેલા દર્શાય છે. જ્યારે છેલ્લી બે તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર મૃતક વશરામભાઈ તથા બાલુબેનની ફાઈલ તસ્વીર નજરે પડે છે (તસ્વીરોઃ દિપક જાની-હળવદ)

હળવદ, તા. ૧૮ :. તાલુકાના માનસર ગામે આડા સબંધો ધરાવતા કાકી-ભત્રીજાએ મળી પતિ અને સાસુની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જે પોલીસના સકંજામાં હોવાનું અને ટૂંક સમયમાં જ ઝડપાઈ જશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે અને આ બન્નેએ હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો ? તેની ઉંડી તપાસ માટ ઘટના સ્થળે રિહર્સલ સહિતની તજવીજ હાથ ધરાયાનું જાણવા મળ્યુ છે.

તાલુકાના નાના એવા ગામમાં ચકચાર મચાવી દેવા એવા કિસ્સામાં સગી કાકી અને ભત્રીજા વચ્ચે સુંવાળા સંબંધોમાં નડતર બનેલા પતિ અને સાસુને મોતને ઘાટ ઉતારીને બારોબાર અંતિમવિધિ પણ કરી નાખતા સમગ્ર તાલુકામાં ફીટકાર વરસી રહ્યો છે.

કોઈ સસ્પેન્સ થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવી ઘટના હળવદ તાલુકાના માનસર ગામે બની છે. જેમા નાના એવા ગામ માનસરમાં રહેતા વશરામભાઈ સોમાભાઈ કોળી અને તેમના માતા બાલુબેન કોળીની ગત તારીખ ૫ મી જાન્યુઆરીના રોજ હત્યા કરીને આરોપી દિપો મનજી કોળી (મૃતકનો ભત્રીજો) તથા મૃતકની પત્નિ હીરીબેને બન્નેની લાશને લઈને હીરાબેન ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે જઈને બારોબાર અંતિમવિધિ કરી નાખી હતી અને બન્નેએ આત્મહત્યા કરી હોવાનું જાહેર કર્યુ હતું.

દરમ્યાન આ બનાવની વાત વાયુવેગે માનસર ગામમાં ફેલાય હતી અને ગ્રામજનોને આ વાત ગળે ઉતરતી ન હતી આથી શંકાના આધારે ગ્રામજનો અને મૃતકના જ્ઞાતિજનો દ્વારા ચર્ચાઓ શરૂ થઈ હતી જે પોલસી સુધી પહોંચી હતી. આથી પોલીસે જીણવટભરી તપાસ કરી નક્કર પુરાવા અને બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો. જેમાં માનસર ગામના સરપંચ સંજયભાઈ ગોહીલે ફરીયાદી બનીને કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ પ્રકરણ અને હવસખોરીમાં ડબલ મર્ડર મામલે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વિધિવત ગુન્હો દાખલ કરીને આ હત્યાકાંડ અને ત્યારબાદ અંતિમવિધિમાં મદદગારી કરનાર આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

નોંધનીય છે કે, મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામનો પરિવાર છેલ્લા ૬ વર્ષથી હળવદ તાલુકાના માનસર ગામે રહીને ખેત મજુરી કરી ગુજરાન ચલાવતો હતો. જેમા વશરામભાઈ ઉર્ફે વશો સોમાભાઈ કોળી, પત્નિ હીરાબેન વશરામભાઈ કોળી, માતા બાલુબેન સોમાભાઈ કોળી અને એક પુત્ર તથા એક પુત્રી હતી. માનસર ઘરની બાજુમાં મનજીભાઈનો પુત્ર દીપો અને વશરામભાઈની પત્નિ હીરીબેન સાથે ખેત મજુરી કરતા હતા. જેમા દીપા અને હીરીબેનને સુંવાળા સંબંધો બંધાયા હતા. જેમા ગત પાંચમી જાન્યુઆરીના રોજ બપોરે હીરીબેન તેના ભત્રીજા દીપા સાથે પ્રેમલીલામાં મગ્ન હતા ત્યારે વશરામભાઈ આ દ્રશ્ય નિહાળી ગુસ્સે થતા ત્રણેય વચ્ચે રકઝક થઈ, જેમાં દીપાએ વશરામભાઈને ધોકો મારીને ઢીમ ઢાળી દીધુ હતું. દરમ્યાન વચ્ચે પડતા બાલુબેનને પણ હીરીબેન અને દીપાએ મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યાર બાદ બન્નેની લાશને વતન કોપરણી ગામે અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા અને લૌકીકે આવનાર સગા-સ્નેહીઓને હીરીબેન રડતા રડતા જણાવતા કે તેના પતિને દારૂની લત હોવાથી ગળેફાંસો ખાઈ લીધો હતો જેનુ દુઃખ ન જોઈ શકતા એના સાસુ બાલુબેને પણ આત્મહત્યા કરી લીધી હતી.

હળવદ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે અને એફએસએલની મદદ પણ લેવાય છે. આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ તે માટે ટીમો બનાવીને તપાસ ઝડપી બનાવી છે.

(12:57 pm IST)