Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

શ્રી આપાગીગાની જગ્‍યા - સતાધાર અને શ્રી આપાગીગાનો ઓટલો - ચોટીલા દ્વારા

મહાશિવરાત્રી નિમિતે જૂનાગઢમાં જાહેર અન્‍નક્ષેત્ર ધમધમશે

દેશભરમાંથી મહામંડલેશ્વરો, સાધુ - સંતો આર્શીવચન પાઠવશે : ભજન - ભોજન - સંતવાણીના કાર્યક્રમો : ભાવિકોને જાહેર આમંત્રણ આપતા પૂ.જીવરાજબાપુ, પૂ.વિજયબાપુ અને પૂ. નરેન્‍દ્રબાપુ

રાજકોટ, તા. ૧૮ : ‘‘કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઔર ભૂખે કો અન્‍ન દે'' એ વાતને પ્રસિદ્ધ કરતું શ્રી આપાગીગાની જગ્‍યા- સતાધાર અને શ્રી આપાગીગાનો ઓટલો - ચોટીલા દ્વારા અવાર - નવાર વિવિધ પ્રકારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્‍યારે દર વર્ષની માફક આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે જૂનાગઢ ખાતે ૧૮ વરણના લોકો માટે જાહેર અન્‍ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટેનું જાહેર આમંત્રણ અપાયુ છે. આ વર્ષે પણ શ્રી લાલ સ્‍વામીની જગ્‍યા, મહંતશ્રી હરિગીરીબાપુ, ભગીરથ વાડીની સામે, ભવનાથ, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના પાવનપર્વ નિમિતે જાહેર અન્‍નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.

વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગિરનાર, ગીરનારમાં જયાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. નવનાથ, ૮૪ સિદ્ધ, ૬૪ જોગણીઓ અને જેના શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દતાત્રેયના બેસણા છે અને જયાં સાક્ષાત માં જગદંબા અંબાજી માતા બિરાજે છે. એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં જૂનાગઢ વસેલુ છે. આ ગીરનાર ક્ષેત્રમાં જયાં સાક્ષાત ભોળાનાથ  પધારે છે તે મહા શિવરાત્રીના મેળા દરમિયાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્‍યાં સતાધાર શ્રી આપાગીગાની જગ્‍યા અને શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની આજ્ઞાથી અઢારે વરણના દરેક સમાજના લોકો માટે જ્ઞાતિ - જાતિના ભેદભાવ વગર જાહેર અન્‍નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળાની શુભ શરૂઆત તા.૯ ફેબ્રુઆરીથી બુધવારે સવારે ૧૧:૪૫ કલાકે ધ્‍વજારોહણ કરી દેશભરમાંથી ઉપસ્‍થિત મહામંડલેશ્વરશ્રીઓ, સાધુ - સંતો, મહંતશ્રીઓ અને મહાનુભાવો હસ્‍તે કરવામાં આવશે અને અન્‍નક્ષેત્રનું શુભ ઉદ્દઘાટન કરવામાં આવશે.

આ સમગ્ર મહોત્‍સવ દરમિયાન દરરોજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાધુ સંતો - મહંતો ઉપસ્‍થિત રહી આર્શીવચન પાઠવશે. તેમજ મહાશિવરાત્રીના શુભ દિને દરેક લોકો માટે સમગ્ર દિવસ દરમિયાન ફરાળરૂપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. આ મેળાની પૂર્ણાહૂતિ તા.૧૪ ફેબ્રુ.ના ૨૦૧૮ના શુક્રવારે સવારે ૯ કલાકે કરવામાં આવશે. આ મેળામાં દર વર્ષે લાખોની સંખ્‍યામાં લોકો હાજર રહેતા હોય છે. ભાવિક ભકતજનો, માતાઓ, બહેનો, વડીલો, બાળકો, યુવાનોને ભોજન પ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુ - મહંત શ્રી સતાધાર, શ્રી વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ - સતાધાર, નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ - મહંત શ્રી, આપાગીગાનો ઓટલો, ચોટીલા (મોલડી), શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકી - ચેરમેન,  ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ - ગુજરાત રાજય તેમજ સમગ્ર સતાધાર  અને શ્રી આપાગીગાનો ઓટલાના સેવકગણ દ્વારા દરેક લોકોને ભાવભર્યુ જાહેર નિમંત્રણ અપાયુ છે.

(11:37 am IST)