Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બે વર્ષ પહેલા દેશના ધુરંધર એસ્ટ્રોલોજર સ્વ. બાબુભાઈ ઠક્કરે ભવિષ્ય ભાખેલુ કે ભાજપને પાંખી બહુમતી મળશે...

મનમોહનસિંઘ વડાપ્રધાન બનશે અને સ્મિતા પાટીલના મૃત્યુની સચોટ જાહેરાત કરેલ :બાબુભાઈના પગ પાસે બેસી સેંકડો બોલીવૂડ કલાકારોએ પોતાના ભાવી જોવડાવેલા :પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારે તો જ કોંગ્રેસનો બેડો પાર થશે... તેવી પણ આગાહી કરેલ!

રાજકોટ, તા. ૧૨ :દેશના અગ્રીમ હરોળના એસ્ટ્રોલોજર તરીકે બોલીવૂડ જ નહિં સર્વત્ર છવાઈ ગયેલા અને અનેક ચોંકાવનારી આગાહીઓ કરનાર મુળ સૌરાષ્ટ્ર - મોરબીના અને મુંબઈમાં જબરી નામના મેળવનાર સ્વ. બાબુભાઈ (સુખલાલભાઈ) ઠક્કરે આજથી ૨ વર્ષ પૂર્વે તેમના દેહાવસાનના થોડા દિવસો પૂર્વે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, જામનગર જિલ્લાના અકિલાના બ્યુરો ચીફ તથા મોટા ગજાના એસ્ટ્રોલોજર તથા ભાજપ સંઘના દાયકાઓથી સક્રિય કાર્યકર - અગ્રણી શ્રી મુકુંદભાઈ બદીયાણી - જામનગર - સૌરાષ્ટ્રના ટોચના ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન તથા અગમ - નિગમના વૈજ્ઞાનિક અભિગમના નિષ્ણાંત શ્રી મનોજભાઈ અનડકટ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહેલ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવશે પણ ઓછી બેઠકો મળશે તેવા ગ્રહો મને દેખાય છે. આ વાત ''અકિલા''માં તે સમયે પ્રસિદ્ધ પણ થયેલ. બાબુભાઈએ એ સમયે નહિ લખવાની શરતે જણાવેલ કે આનંદીબેનના વડપણ હેઠળ આ ચૂંટણી લડાવાની સંભાવના ઓછી છે અને ભાજપની જીત ખૂબ જ ઓછી બેઠકોથી થશે. જે અક્ષરસઃ સાચુ પડ્યુ છે. પરંતુ  ભાજપ નારાજ થઈ જશે તો પોતાનું આવી બનશે એવો જબ્બર ભય તેઓને સતાવતો હતો, અને તેથી ''ગુજરાતમાં બેઠકો ઘટશે'' તેવી આગાહી પ્રસિદ્ધ કરેલ, પણ આનંદીબેનનો નામોલ્લેખ કરવાનુ અમે તેમની લાગણીને માન આપી તે સમયે ટાળેલ.

સ્વ. બાબુભાઈ ઠક્કરે ''અકિલા''માં વર્ષો પૂર્વે મનમોહનસિંઘ વડાપ્રધાન બનશે તેવી આગાહી કરેલ. જયારે મનમોહનસિંઘ વડાપ્રધાન બને તેવી કોઈ હિલચાલ ન હતી.

બોલીવૂડની સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી સ્વ. સ્મિતા પાટીલ પણ બાબુભાઈની જબ્બર ''ફેન'' હતી, તે પણ એસ્ટ્રોલોજીની માહેર હતી. બાબુભાઈ સાથેની દોસ્તી - વડીલભાવ છેવટ સુધી કાયમ રહેલ.

બાબુભાઈએ કહેલ કે સ્મિતા સાથે મિત્રતા - ઓળખાણ થયા પછી ઘણા સમયે મેં તેની કુંડલી જોયેલ. ૮૨ વર્ષના સુખલાલભાઈ (બાબુભાઈ) ઠક્કર ગળગળા થઈ ગયેલ અને કહેલ કે ગાયત્રીમાની કૃપાથી હું કુંડળી ઉપર નજર નાખતો કે બોલવા લાગતી. સ્મિતા પાટીલની કુંડળીમાં મને ટૂંક સમયમાં જ સ્પષ્ટ મૃત્યુયોગ બતાયેલ. આડી અવળી બીજી ઘણી વાતો - માહિતી મેં આપી પણ આ વાત છુપાવી. સ્મિતાએ મને પૈસાનું ''કવર'' આપ્યુ પણ હું કંઈ રીતે સ્વીકારૃં? બાબુભાઈએ મને કહેલ કે મને અપાર મદદ કરનાર આ મહાન આત્મા, દિલેર દોસ્તની રકમ લેવા મેં ના પાડી એટલે સ્મિતાએ જવાબ આપ્યો તે સાંભળી અવાચક થઈ ગયેલ. સ્મિતા પાટીલ પણ એસ્ટ્રોલોજીની માહેર હતી, તેણે મને કહ્યું કે, ''બાબુભાઈ હું મૃત્યુ પામવાની છું એટલે તમે મારૂ કવર સ્વીકારતા નથી ને?'' બાબુભાઈએ અમને કહેલ કે કિરીટભાઈ, આ બનાવના બરાબર ૧૩મા દિવસે સ્મિતા પાટીલ આ દુનિયા છોડી ચાલી ગઈ અને એ પછી મારૂ મન મુંબઇથી ઉતરી ગયુ અને મોરબી પાછો આવતો રહેલ...

સ્વ. બાબુભાઈ ઠક્કર સાથે કોઈ પૂર્વના ઋણાનુબંધ હોય તેમ ૧ાા - ૨ વર્ષ ખૂબ આત્મીયતા રહી, ''અકિલા''માં કોલમ શરૂ કરેલ. પરંતુ અઢી વર્ષ પહેલા તેમણે ચીરવિદાય લીધે.  આજે પણ એ દિવસ મને યાદ છે. સવારે બાબુભાઈનો ફોન આવેલ ''કિરીટભાઈ આજે મારો છેલ્લો દિવસ છે, બપોર પછી નહિં હોઉં.. મને ધ્રાસ્કો પડેલ.'' મેં કહ્યુ બાબુભાઈ આવું ના બોલો... ૨ કલાક પછી ફરી ફોન આવ્યો, એ જ વાત કહી અને સાંજે ૪ વાગ્યે તેમના પુત્ર ચિ. મુકેશનો ફોન આવ્યો કે કાકા, બાપુજીએ દેહ છોડી દીધો છે..

પૂ. રામ શર્મા આચાર્ય અને પૂ. ગાયત્રી માની અપાર કૃપા જેમની ઉપર સદાય વરસતી રહેલ તે સ્વ. બાબુભાઈ (સુખલાલભાઈ) ઠક્કરની અપાર, પારલૌકિક, આધ્યાત્મિક અને એસ્ટ્રોલોજીકલ શકિતઓનો ખૂબ મોડેથી મને ખ્યાલ આવેલ, એ અફસોસ હંમેશ રહેશે.. તેમનો પરિવાર મોરબીમાં રહે છે. શ્રી મુકેશ બાબુભાઈ ઠક્કર (મો. ૯૯૦૪૦ ૨૯૬૭૮- ૮૩૨૦૩ ૯૫૪૭૬) અને નાનો ભાઈ, માતા - પરિવાર સાથે મોરબીમાં સુતાર શેરી, ગ્રીન ચોક પાસેની ગલી, ગાત્રાળ પાન ડીપો પાસે રહે છે અને સુખી છે. બાબુભાઈને શત્ - શત્ વંદન...

બાબુભાઈની અન્ય આગાહીઓમાં ૨૦૨૧નું વર્ષ મહા ખતરનાક રહેશે અને જરૂર વિના ઘર છોડવુ નહિં, એવું પણ કહેલ. એ સમયે બાબુભાઈને મેં પૂછેલ કે મુકુન્દભાઈ બદિયાણી જામનગરથી ચૂંટણી લડે તેવા ગ્રહો છે? ત્યારે બાબુભાઈએ કહેલ કે રાહુની દૃષ્ટિને લીધે મુકુન્દભાઈને ટિકીટ મળે તેવા સંજોગો મને દેખાતા નથી. આ ભવિષ્યકથન ૨ વર્ષ પહેલા તેમણે કરેલ.

(11:22 am IST)