Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

કંડલાના મધદરિયે ડીઝલ ભરેલુ ‘જીનેસા' જહાજ સળગ્‍યું: ૧ અધિકારીનું મોતઃ ૧ ગંભીર

મુંબઈ એચ.પી.સી.એલ.ના આ જહાજમાં ૩૦ હજાર ટન હાઈસ્‍પીડ ડીઝલ હતુઃ મધરાતે આગ કાબુમાં: ૨૬ ક્રુમેમ્‍બરોને બચાવી લેવાયાઃ દરિયાથી જીવસૃષ્‍ટિ ઉપરનું મોટુ જોખમ ટળ્‍યુઃ આગ બુઝાવવા અદાણી, એસ્‍સાર, રિલાયન્‍સની મદદ લેવાઈઃ જામનગરથી પાણી ભરેલી ટગો મંગાવાઈ

કંડલાના દરિયામાં અગનગોળો બની ગયેલ જહાજ જીનેસા' દર્શાય છે (તસ્‍વીરઃ વિનોદ ગાલા-ભૂજ)

ભૂજ, તા. ૧૮ :. કંડલા બંદરે મધદરિયે ડીઝલ ભરેલા જહાજ જીનેસા'માં ભયંકર આગ લાગી હતી. જે મધરાત્રે કાબુમાં આવી ગયાનું અને આ અકસ્‍માતમાં ઘાયલ થયેલ ૧ ઈલેક્‍ટ્રીકલ અધિકારીનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યાનું તથા ૧ અધિકારીની હાલત હજુ ગંભીર હોવાનું બહાર આવ્‍યુ છે.

મુંબઈથી એચપીસીએલ (હિન્‍દુસ્‍તાન પેટ્રો. કોર્પો. લિ.)નું ૩૦ હજાર ટન હાઈસ્‍પીડ ડીઝલ ભરેલુ ભારતીય જહાજ જીનેસા' કંડલા બંદરે જેટી થી ૨૦ કિ.મી. (૧૨ નોટીકલ માઈલ) દૂર લાંગરવાની રાહ જોઈને ઉભુ હતુ ત્‍યારે મધદરીયે લાગેલી આગે સૌના જીવ અધ્‍ધર કરી દીધા હતા. ગઈ સાંજે સવા સાત વાગ્‍યે જહાજમાં આગ લાગી હોવાના અહેવાલને પગલે કંડલા પોર્ટના અધિકારીઓ સહીતનું તંત્ર દોડતુ થઈ ગયુ હતું. તુરંત જ કંડલા પોર્ટની ટગોએ પાણીનો મારો ચલાવી બચાવ કામગીરી હાથ ધરીને ડીઝલ ભરેલા જહાજમાં આગમાં ફસાયેલા ૨૬ ક્રુમેમ્‍બરોને બહાર કાઢયા હતા જે પૈકી ૨ ગંભીર રીતે દાઝી ગયા હોય તેમને કંડલા પોર્ટ સંચાલિત ગોપાલપુરી હોસ્‍પીટલ મધ્‍યે દાખલ કરાયા છે જેમની સારવાર ચાલુ છે.

દરમ્‍યાન ૩૦ હજાર ટન હાઈસ્‍પીડ ડીઝલનો જથ્‍થો આગના કારણે ગંભીરતા સર્જી શકે તેમ હોય તાત્‍કાલીક અદાણી, એસ્‍સાર, રીલાયન્‍સ જેવી પેટ્રોલીયમ પદાર્થોનું પરિવહન કરતી કોર્પોરેટ કંપનીઓની મદદ લઈને વાડીનાર, મુંદરા, જામનગરથી પાણી ભરેલી ટગો (નાના જહાજો)ની મદદ લઈ આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી તો કોસ્‍ટગાર્ડને પણ ખડેપગે તૈનાત કરી એરક્રાફટ દ્વારા આગ ઓલવવાની કામગીરી ઉપર દેખરેખ રખાઈ હતી. ઓઈલનો કદડો દરીયામાં જોખમ સર્જી શકે તેમ હોય પ્રદુષણ નિષ્‍ણાંતોની મદદ લેવાઈ હતી. કંડલાના મધદરીયે આગ ઓલવવા માટે તનતોડ પ્રયાસો કરાયા હતા.

છેલ્લે મધરાત્રે કંડલા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ આપેલ સત્તાવાર અહેવાલ પ્રમાણે મધદરીયે લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે. જાણકારોનું માનીએ તો કંડલાપોર્ટ ઉપરથી મોટું જોખમ ટળ્‍યું છે. જો જેટી ઉપર ડીઝલ ઠાલવતી વેળાએ જહાજમાં આગ લાગી હોત તો મોટું જોખમ સર્જાયુ હોત. આગનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરાયા છે. સાંજે આગ લાગ્‍યાના અહેવાલો મળ્‍યા પછી યોગ્‍ય જાણકારી મીડીયા સુધી ન પહોંચતા આગના બનાવ સંદર્ભે તર્કવિતર્કો સાથે અફડાતફડીવાળા સમાચારો વહેતા થયા હતા. જો કે અંતે કંડલા પોર્ટ (હવે નવુ નામ દીનદયાળ પોર્ટ ડીપીટી)ના ચેરમેન અને અધિકારીઓએ સત્તાવાર માહિતી આપવાનું શરૂ કરતા આગ અંગેના સમાચારો મળતા થયા હતા.

(11:07 am IST)