Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબીમાં સ્પ્રે ડાયરના ઉદ્યોગકારો તા ૧૦ થી વોલ બોડી કલે ના ભાવમાં કરશે પ્રતિ ક્વિન્ટલ રૂ ૧૫૦ નો વધારો : રો મટિરિયલના ભાવ વધારાના પગલે નિર્ણય.

ભાવ વધારો નહીં સ્વીકારવામાં આવે તો ૧૧ મી ઓગસ્ટથી તમામ સ્પ્રે ડાયર એકમો બંધ કરી દેવાનો નિર્ણય.: કોલસો, ડીઝલ અને રો-મટીરિયલમાં ભાવ વધતા સ્પ્રે ડાયર એકમો દ્વારા ફરી ભાવ વધારો કરાયો

મોરબી :  ડીઝલ, કોલસો અને અન્ય રો-મટિરિયલના ભાવમાં સતત થઇ રહેલા ભાવ વધારાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાતા ઉત્પાદકોના છૂટકે ભાવ વધારો કરવા મજબુર બન્યા છે. તાજેતરમાં વોલ ટાઇલ્સ બોડી ક્લેનું ઉત્પાદન કરતા મોરબી સ્પ્રે ડાયર એકમો દ્વારા વોલ બોડી ક્લેના ભાવમાં રૂપિયા ૧૫૦ પ્રતિ ટન વધારો કર્યા બાદ આગામી ૧૦ ઓગસ્ટથી પ્રતિ ટનના ભાવમાં વધુ ૧૫૦ રૂપિયાનો ભાવ વધારો કરવા નક્કી કરવામાં આવ્યું છે. જો આ ભાવ વધારો નહીં સ્વીકારવામાં આવે તો ૧૧ મી ઓગસ્ટથી તમામ સ્પ્રે ડાયર એકમો બંધ કરી દેવાશે તેવું પણ જાહેર કરાયું છે.
સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં સ્પ્ર્રે ડાયર યુનિટ અભિન્ન અંગ છે અને તમામ પ્રકારની ટાઇલ્સનો બેઇઝ બોડી ક્લે એટલે કે સ્થાનિક ભાષામાં બિસ્કિટ તરીકે ઓળખવામાં આવે છે. સ્પ્રે ડાયર યુનિટમાં વપરાતા કોલસાના ભાવમાં છેલ્લા એક મહિનામાં પ્રતિ ટનના ભાવમાં ૭૦૦  રૂપિયાથી વધુનો ભાવ વધારો થયો છે. એ જ રીતે ડીઝલના ભાવ વધવાથી અન્ય રો મટીરીયલ પણ મોંઘુ બનતા ગળાકાપ હરીફાઈ વચ્ચે સ્પ્રે ડાયર યુનિટોને રો મટિરિયલના ભાવ વધારા સામે અસ્તિત્વ ટકાવી રાખવા ગત મહિને વોલ બોડી ક્લેના ભાવમાં પ્રતિ ટન ૧૫૦ નો ભાવ વધારો કર્યો હતો. આમ છતાં પડતર કિંમત ઉંચી જતા ગઈકાલે સ્પ્રે ડાયર એસો,ની  તાકીદની અગત્યની બેઠક યોજાઈ હતી.
સ્પ્રે ડાયર એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ અને ઉપપ્રમુખ કૌશિકભાઈ ગામીની અધ્યક્ષતામાં રવાપર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ ખાતે મળેલી આ બેઠકમાં સર્વાનુમતે આગામી તા.૧૦ બઓગસ્ટથી વોલ ટાઇલ્સ બોડી ક્લેના ભાવમાં પ્રતિ ટન રૂપિયા ૧૫૦નો ભાવ વધારો કરવા નક્કી કરવામાં આવ્યું છે.
વધુમાં સ્પ્રે ડાયર એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પટેલ અને ઉપપ્રમુખ કૌશિકભાઈ ગામીએ ગઈકાલની બેઠક બાદ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોલસો,ડીઝલ અને રો મટીરીયલના ભાવમાં થયેલા વધારા બાદ ભાવ વધારો કર્યા સિવાય વિકલ્પ નથી. જેથી, મોરબીના તમામ ઉદ્યોગકારો આ ભાવ વધારો સ્વીકારી સહકાર આપે અન્યથા આગામી ૧૧ ઓગસ્ટથી તમામ ૯૦ સ્પ્રે ડાયર યુનિટ એકમો બંધ કરી દેવામાં આવશે અને સંપૂર્ણપણે ભાવ વધારો સ્વીકારવામાં આવ્યા બાદ જ તમામ યુનિટો ચાલુ કરવામાં આવશે તેવું સર્વાનુમતે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

(6:45 pm IST)