Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જુનાગઢઃ કાલથી સોશ્યલ મીડીયામાં શિક્ષકોનુ વ્યાપક આંદોલન શરૂ કરાશે

રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત રાજય કારોબારીનો નિર્ણય જુનાગઢ પણ જોડાશેઃ જીતુભાઇ ખુમાણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧ : નીતિવિષયક  નિર્ણયોમાં શિક્ષણ સહાયકોની બદલી, સાહાયકોને ફિકસ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં નિરાશા તથા વ્યાપક ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.

તમામ જીલ્લાઓમંથી સંગઠ્ઠનને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજુઆતો કરવામાં આવી હતી. જે અનુસંધાને પડતર પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે આ અગાઉ શિક્ષણમંત્રીને તા.૧/૮/ર૦ર૧ સુધીમાં યોગ્ય ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી છતા આ દિશામાં કોઇ નકકર કાર્યવાહી ન થતા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ-ગુજરાતના બિનસરકારી અનુદાનિત તથા સરકારી સંવર્ગના તમામ ઘટક સંઘ તથા રાજય કારોબારી દ્વારા સર્વાનુમતે તા. ૧ ઓગસ્ટ ર૦ર૧ થી ૭ સુધી વિવિધ સોશિયલ મીડીયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું નકકી કરવામાં આવ્યુંછે.

આંદોલનના ઉપરોકત સમયગાળામાં પડતર પ્રશ્નો સંલગ્ન તમામ શિક્ષકો પોતાની માંગ સાથેનો ફોટો તથા સેલ્ફી પોતાની શાળાના બેનર, શાળાના બ્લેક બોર્ડ પર માંગણીઓ સંદર્ભે સુત્રો લખી વિવિધ સોશિયલ મિડીયા જેવા કે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, ટવીટર તથા અન્ય પર અપલોડ કરવા તથા શેર કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ-ગુજરાત (સરકારી તથા બિન સરકારી અનુદાનિત) ની રાજય કારોબારી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

પ્રથમ તબકકાના આ કાર્યક્રમ બાદ બીજા તથા ત્રીજા તબકકાના વિવિધ કાર્યક્રમોમાં હવે પછીથી જાહેર કરવામાં આવશે તેમ જુનાગઢ આંદોલન સમિતિના જીતુભાઇ ખુમાણે જણાવ્યું છે.

(1:04 pm IST)