Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

શાહીદ સુમરાની સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતના નેટવર્કની જાળ ઉકેલાશે

એટીએસના સ્પે. પીપી કલ્પેશ ગોસ્વામીની ધારદાર દલીલો : પંજાબ, કાશ્મીર અને મહારાષ્ટ્રમાં પણ નેટવર્ક : ડ્રગ્સ માફિયાના ૮ દિ'ના રિમાન્ડ મંજૂર કરતી ભુજ કોર્ટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : ગુજરાત એટીએસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ઝડપેલા શાહીદ કાસમ સુમરાને ગઇકાલે ભુજની સ્પે. નાર્કોટિકસ કોર્ટમાં રજૂ કરાયો હતો. એટીએસ વતી સ્પે. પીપી તરીકે કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી. નાર્કોટિકસ કોર્ટના ખાસ જજ શ્રી પવારે શાહીદના ૭ મી ઓગસ્ટ સુધી ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિમાન્ડ દરમ્યાન એટીએસ ગુજરાત કનેકશનની કડીઓ ખુલશે. ગત એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન જખૌના દરિયામાં એટીએસ, કોસ્ટ ગાર્ડ અને એસઓજી માં સયુંકત ઓપરેશનમાં નૂહ શફીના નામની બોટમાંથી ૮ પાકિસ્તાનીઓ સાથે ઝડપેલ ૧૫૦ કરોડના ૩૦ કિલો હેરોઈન પ્રકરણમાં શાહીદ સુમરા મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું હતું.

મૂળ કચ્છના માંડવીના રહેવાસી શાહીદ સુમરાએ કચ્છ સૌરાષ્ટ્રના દરિયાઈ માર્ગે વાયા ગુજરાત થઈને દેશમાં કેફીદ્રવ્યો પહોંચાડવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. ૨૦૧૮ પછી ગુજરાતને કેફી દ્રવ્યોનું લેન્ડિંગ પોઇન્ટ બનાવવા માટે ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફીયા સાથે મળી શાહીદે ગોઠવેલા નેટવર્કની જાળ હવે એટીએસ દ્વારા ઉકેલાશે.

અગાઉ એટીએસે માંડવીના રઝાક આદમ સુમરા, ગાંધીધામના કરીમ મોહમ્મદ સીરાઝ અને કિડાણામાં રહેતા સુનીલ વિઠ્ઠલ બારમાસેની ધરપકડ કરી હતી. બાદમાં બહાર આવ્યું હતું કે, એટીએસએ એપ્રિલ ૨૦૧૮માં દ્વારકાના અબ્દુલ ભગાડ નામના માછીમાર પાસેથી જે ૫ કિલોગ્રામ હેરોઈન પકડેલું તે હેરોઈન તો બહુ નાની માત્રામાં હતું.

હકીકતમાં માંડવીના અર્શદ અબ્દુલ રઝાક સોતા ઊર્ફે રાજુ દુબઈએ પાકિસ્તાનના ડ્રગ માફિયા નબીબક્ષ મારફતે પાકિસ્તાનના હાજીસાબ ઊર્ફે ભાઈજાન સાથે ફોન પર વાતચીત કરી એપ્રિલ ૨૦૧૮માં અબ્દુલ ભગાડની બોટ મારફતે અલગ અલગ સમયે ૫૦૦ કિલોગ્રામ હેરોઈન કચ્છના અબડાસા તાલુકાના છછીના દરિયા કાંઠે લેન્ડ કરાવ્યું હતું. બાદમાં આ હેરોઈન માંડવી રહેતા રફીક આદમ સુમરા અને શાહીદ સુમરાને પહોંચતું કરાયું હતું. આ જથ્થો રફીક સુમરાના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઊંઝાથી જતી જીરૂની ટ્રકોની આડમાં હેરોઈનનો જથ્થો ઉત્તર ભારત અને પંજાબ સુધી પહોંચાડાયો હતો.

એટીએસએ તે સમયે નેટવર્કના સૂત્રધાર રાજુ દુબઈની નેપાળથી ધરપકડ કરી હતી. પરંતુ શાહીદ સુમરા વિદેશમાં નાસી ગયો હોઈ હાથ લાગ્યો નહોતો. શાહીદે સરહદ પારના ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને કચ્છમાં ડ્રગ્સના લેન્ડિંગ અને સપ્લાયમાં સ્થાનિક નેટવર્ક ઊભું કર્યું હતું. હવે શાહીદ સુમરાની પૂછપરછમાં અનેક મહત્વના ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

(10:10 am IST)