Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મોરબી ઝુલતા પુલ દૂર્ઘટનામાં ચાર્જશીટની આરોપીઓને નકલ અપાઇઃ મુખ્‍ય આરોપી જયસુખ પટેલ હજુ પણ ફરાર

ચાર્જશીટ આજે પ્રથમ સુનાવણી : કુલ ૧૦ આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ મુકાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૩૧:  એક સાથે ૧૩૫-૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે ત્રણ મહિના પૂર્ણ થયા છે, ભલભલાનું કાળજું કંપાવી દેનારી આ દુર્ઘટનાથી સમગ્ર દેશ જ નહીં બલ્‍કે વિદેશમાં પણ ઘેરા પડઘા પડ્‍યા છે ત્‍યારે દુર્ઘટનાના વીતેલા આ ત્રણ મહિના બાદ જેના વિરુદ્ધ લૂક આઉટ નોટિસ ઈશ્‍યુ થઈ છે તેવા જયસુખ પટેલ પોલીસને કે અન્‍ય કોઈને શોધ્‍યા જડતા નથી, બીજી તરફ ગુજરાત હાઇકોર્ટની સુઓમોટો રીટ પિટિશન બાદ ઝૂલતા પુલ કેસની તપાસને ચોક્કસ દિશા મળી છે પરંતુ બેજવાબદાર એવા નગરપાલિકા તંત્ર સુધી હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્‍યા નથી.

૩૦ ઓક્‍ટોબરની ગોઝારી સાંજે જયારે મોરબીના સહેલાણીઓ અજંતા - ઓરેવા કંપનીએ રીનોવેશન કરેલા ઝૂલતા પુલ ઉપર ઉમળકાભેર ફરવા માટે ગયા ત્‍યારે કોઈએ કલ્‍પના પણ ન કરી હોય તેવી કરૂણ કંપાવનારી દુર્ઘટના સર્જાતા સહેલાણીઓથી હકડેઠઠ ભરેલો ઐતિહાસિક ઝૂલતો એક ઝાટકે તૂટી પડતા ૧૩૫ લોકોના કમકમાટીભર્યા મળત્‍યુ નિપજ્‍યા હતા અને સેંકડો લોકો ઈજાગ્રસ્‍ત બનતા મોરબીની હોસ્‍પિટલ અને તબીબો પણ ટૂંકા પડ્‍યા હતા. જો કે દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્‍યના મુખ્‍યમંત્રી અને ગળહમંત્રીએ મોરબીમાં જ મુકામ કરી સમગ્ર પરિસ્‍થિતિ નજરે નિહાળી તત્‍કાલ રાહત-બચાવ કામગીરી કરાવી હતી.

બીજી તરફ મોરબી નગરપાલિકા હસ્‍તકનો ઝૂલતો પુલ જર્જરિત બન્‍યા બાદ કોઈપણ જાતના કરાર વગર ફરી સહેલાણીઓને ફરવા યોગ્‍ય ઉપયોગી બનાવવા અગાઉ સંચાલન કરનાર અજંતા - ઓરેવા કંપનીએ રૂપિયા બે કરોડના ખર્ચે રીનોવેશન કામ કર્યું હોવાની પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી ફટાફટ પ્રજા માટે ખુલ્લો મૂકી દીધો હોવાનું દુર્ઘટના બાદ સ્‍પષ્ટ બનતા રાજ્‍ય સરકાર દ્વારા સીટની રચના કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજંતા ઓરવા કંપનીના મેનેજર દિપક નવીનચન્‍દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્‍ટેનન્‍સનું કામ કરતી એજન્‍સીના પ્રકાશભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્‍પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ સહિતના ૯ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૪,૩૦૮,૩૩૬,૩૩૭,૩૩૮ અને ૧૧૪ મુજબ ગુન્‍હો દાખલ કરી તત્‍કાલ નવેય આરોપીઓની ધરપકડ કરી હતી.

જો કે, ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પાલિકા અને અજંતા ઓરેવા કંપની વચ્‍ચે થયેલા કરારમાં સહી કરનાર અજંતા-ઓરેવાના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ શરૂઆતના તબક્કે તપાસનીશ એજન્‍સી દ્વારા ગુન્‍હો નોંધવામાં આવ્‍યો ન હતો પરંતુ બાદમાં તપાસ દરમિયાન જયસુખ પટેલ વિરુદ્ધ પૂરતા પુરાવા તપાસનીશ ટીમને હાથ લાગતા જયસુખ પટેલને ઝડપી લેવા આશ્રયસ્‍થાનો ઉપર તપાસ કરવા છતાં પણ આરોપી મળી ન આવવાની સાથે આરોપી તપાસનીશ અધિકારી સમક્ષ હાજર ન થતા અંતે તપાસનીશ ટીમે અદાલત મારફતે જયસુખ પટેલ વિરુદ્ધ સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરંટ કઢાવી બે દિવસ પૂર્વે રજૂ કરેલા ચાર્જશીટમાં ફરાર આરોપી તરીકે દર્શાવી કુલ ૧૦ અપરાધીઓ વિરુદ્ધ ૧૨૬૨ પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. અને નવ આરોપીઓને ચાર્જશીટની કોપી અપાઇ હતી.

જો કે, સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચાવનાર ઝૂલતા પુલ દુર્ઘટનાની ગંભીરતા જોતા ૧૩૫ લોકોના મળત્‍યુની ઘટનાથી વ્‍યથિત બની નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસ દ્વારા સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી નગરપાલિકા અને રાજ્‍ય સરકારનો ઉધડો લેતા સમગ્ર રાજ્‍યમાં આવેલા આવા જોખમી પુલો અને પબ્‍લિક સ્‍થળો વિશે સરકારને તતડાવતાં સરકાર પણ ગંભીર બની છે અને સમગ્ર ઝૂલતા પુલ કેસની તપાસ વેગવાન બની છે, જો કે દુર્ઘટનાના ત્રણ-ત્રણ મહિના વીતવા છતાં પણ મામૂલી દોઢ પાનાંનો કરાર કરી ઐતિહાસિક ઝૂલતો પુલ અજંતા-ઓરેવાને ભેટ ધરી દેનાર નગરપાલિકા વિરુદ્ધ હજુ પણ કોઈ નક્કર પગલાંલેવાયા નથી ત્‍યારે આવનાર દિવસોમાં નામદાર અદાલત કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યુ.

(1:47 pm IST)