Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ગરવા ગિરનારને સર કરવા દેશના ૧૩ રાજ્યોના ૬૩૮ સ્પર્ધકો દોડ લગાવશે

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.૫મી ફેબ્રુઆરીએ યોજાશે : સિનિયર ભાઈમાં ૩૦૯, જુનિયરમાં ૧૩૧ તથા સિનિયર બહેનોમાં ૧૧૨ અને જુનિયરમાં ૮૬ બહેનો ભાગ લેશેઃ ભાઈઓ માટે ૫૫૦૦ અને બહેનો માટે ૨૨૦૦ પગથિયા સુધીની સ્પર્ધા રહેશેઃ સૌથી વધુ ગુજરાત, બિહાર, દિવ અને હરિયાણા રાજ્યના સ્પર્ધકો ભાગ લેશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૩૧:  ગરવા ગિરનારને સર કરવા માટે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં તા.૫મી ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં દેશના ૧૩ રાજ્યોના કુલ-૬૩૮ જેટલા સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે દોડ લગાવશે. 

ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ફેબ્રુઆરી-૨૦૨૩ના પ્રથમ અઠવાડીયા દરમિયાન જૂનાગઢ મુકામે ભારતભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.

આ સ્પર્ધામાં સ્પર્ધકો ૧૪ થી ૧૮ અને ૧૯ થી ૩૫ ની વય મર્યાદામાં સિનિયર-જુનિયર વિભાગમાં ભાગ લઈ લેશે. બન્ને વિભાગના ભાઈઓ માટેની આ સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના ૫૫૦૦ પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઈઓની સ્પર્ધાની સમય મર્યાદા ૨-૦૦ કલાક અને બહેનોની સ્પર્ધા માટે ૧-૩૦ કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.

પ્રથમ એક થી દસ ક્રમાંકના વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધા તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ વહેલી સવારે ૭ કલાકે યોજાનાર છે.

આ સ્પર્ધામાં ગુજરાત ૧૮૦, મહારાષ્ટ્ર ૨૨, દિવ ૧૦૦, દમણ ૧, હરીયાણા ૭૫, રાજસ્થાન ૨૦, ઉતરપ્રદેશ ૨૯, મધ્યપ્રદેશ ૨૩, બિહાર ૧૬૮, ઝારખંડ ૧, કર્ણાટક ૩, જમ્મુ કશમીર ૧૫, કેરલ ૧, જેટલા સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સિનિયર ભાઈઓ ૩૦૯ , જુનિયર ભાઈઓ ૧૩૧ , સિનિયર બહેનો ૧૧૨ , જુનિયર બહેનો ૮૬  વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. આમ, ગિરનારને આંબવા ભારતભરના ૧૩ રાજ્યના ૬૩૮ સ્પર્ધકો દોડ લગાવશે.

(11:55 am IST)