Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વઢવાણ, લીંબડીનાં રાજમહેલની ચોરીમાં સંડોવાયેલી તસ્‍કર ટોળકી સામે ગેંગ કેસ દાખલ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૧ : સુરેન્‍દ્રનગર જીલ્લાનાં લીંબડી-વઢવાણનાં ઐતિહાસિક રાજમહેલ અને ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામ નજીક દીવાદાંડી સહિતનાં સ્‍થળોએ ચોરી કરી તરખાટ મચાવનાર તસ્‍કર ટોળકીનાં ધ્રાંગધ્રાનાં ચાર શખ્‍સો સામે ગેંગ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે.

ગત તા.૨૯-૧૦-૨૦૧૭ના રોજ વઢવાણનાં ઐતિહાસિક રાજમહેલમાં ચોરી થઈ હતી. જેમાં ચાંદીની મૂર્તિઓ, કીટલી, સોફા-ખુરશી, પીતળની મૂર્તિઓ સહિત એન્‍ટીક ચીજવસ્‍તુઓના રૂા. ૧૮,૭૦,૦૦૦ ની ચોરી થઈ હતી. આ ગુનામાં ધ્રાંગધ્રાનાં કાટીયા નરશીભાઈ વીરમગામીયા, નવઘણ પોપટભાઈ ચોરીનો મુદ્દામાલ લેનાર અમદાવાદના અરૂણ શૈલેષભાઈ સહિત ૬ શખ્‍સોની અટક કરવામાં આવી હતી. તેમજ ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામ નજીક દીવાદાંડીની ઓફઇસમાંથી રૂા.૩૫ હજારની કિંમતની દીવાદાંડીની બેટરી ચોરાઈ હતી. આ ગુનામાં રાજુ તળશી, નવઘણ પોપટ, ચેતન ભાનુભાઈ, કૈલાશ ચતુરભાઈ સહિત ધ્રાંગધ્રાના છ શખ્‍સોની અટકાયત કરવામાં આવી હતી.

એજ રીતે લીંબડીનાં રાજવી પરિવારનાં દિગભવન પેલેસમાં ચોરી થયાની ઘટના તા. ૨૮-૦૨-૨૦૨૨ના રોજ સામે આવી હતી. તેમાં રાજમહેલમાંથી શુધ્‍ધ ચાંદીની વસ્‍તુઓ, હારમોનિયમ, બેન્‍જો વિગેરે રૂા.૪૫,૫૦૦ની મતા અને રાજાશાહી વખતની અમુલ્‍ય વસ્‍તુની ચોરી થઈ હતી. આ ગુનામાં પણ પોલીસે દિલીપ પોપટભાઈ, કાબો ઉર્ફે નયન ઉર્ફે અશોક, કાટીયો નરશીભાઈ સહિતનાં ૬ શખ્‍સોને ઝડપી પાડયા હતા. આમ, ચોરીનાં વિવિધ બનાવોને અંજામ આપનાર ચોર ટોળકી સામે કડક કાર્યવાહી માટે એલસીબી પી.આઈએ ગેંગ કેસ દાખલ કરાવ્‍યો છે.ᅠ

જેમાં ધ્રાંગધ્રાનાં કાટીયો નરશીભાઈ વીરમગામીયા, દિલીપભાઈ પોપટભાઈ કુંઢીયા, નવઘણભાઈ પોપટભાઈ દેવીપુજક અને અમદાવાદનાં અરૂણભાઈ વજુભાઈ વિરમગામીયાનો પણ સમાવેશ થાય છે. 

(11:49 am IST)