Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વડતાલધામમાં સાહિત્‍ય વિષયક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર,તા. ૩૧: શ્રી સ્‍વામિનારાયણ રિસર્ચ સેન્‍ટર અને ગુજરાત સાહિત્‍ય અકાદમીના સંયુક્‍ત ઉપક્રમે વડતાલધામમાં ગોમતીજીના કિનારે અનોખો કાર્યક્રમ યોજાયો.

પહેલા રાજ કવિ તરીકે ખ્‍યાતિ પામનાર લાડુદાન અને ત્‍યારબાદ સહજાનંદી રંગે રંગાયેલા રંગદાસજી અને પછી બ્રહ્મ આનંદ ને પામી ગયેલા બ્રહ્માનંદ સ્‍વામીની ૨૫૧ મી જન્‍મ જયંતિએ ‘સ્‍વામી બ્રહ્માનંદઃ જીવન અને સાહિત્‍ય સર્જન યાત્રા' વિષય ઉપર વસંત પંચમીના રોજ એક પરિસંવાદનું આયોજન થયું હતું.

કાર્યક્રમનુ સંકલન વડતાલ મંદિરના મુખ્‍ય કોઠારી અને પૂજય ડો.સંતવલ્લભ સ્‍વામીએ કર્યું અને પધારેલા વિદ્વાન વકતાઓ માનનીય શ્રી બળવંતભાઈ જાની (સાગર યુનિ. કુલપતિ ) અને માનનીય શ્રી જયેન્‍દ્રસિંહ જાદવ (મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી ) દ્વારા મધ્‍યકાલીન કવિઓમાં બ્રહ્માનંદ સ્‍વામી દ્વારા વિવિધ રાગમાં રચાયેલા ૮૦૦૦ જેટલા પદોની સર્જન યાત્રા દરમ્‍યાન ગુજરાતી સાહિત્‍યને મળેલ આ અમૂલ્‍ય વરસાને યાદ કર્યો, વાગોળ્‍યો અને એનું જતન કરી વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે એ માટે સૂચનો કર્યા. પૂજય લાલજી ભગત (જ્ઞાન બાગ) દ્વારા સદગુરુ બ્રહ્માનંદ રચિત પદ ‘જેઠે જીવન ચાલીયા'માં રહેલા બ્રહ્મરસનુ પાન સૌને કરાવ્‍યું.

કાર્યક્રમમાં પૂજય દેવ સ્‍વામી એ પ્રેરક ઉદબોધન કર્યું અને પૂજય નૌતમ સ્‍વામી અને પૂજય હરિઓમ સ્‍વામી સહિત સંતોની પ્રેરક ઉપસ્‍થિતિ રહી.ᅠ

કાર્યક્રમની આભાર વિધિ શ્રી શૈલેષભાઇ સાવલિયા એ કરી અને સમગ્ર કાર્યક્રમનુ સુંદર આયોજન પૂજય શ્‍યામ સ્‍વામીએ કર્યું. આ આખા કાર્યક્રમની પરિકલ્‍પનાના પાયામાં રહેલ શ્રી હરેન્‍દ્રભાઈ ભટ્ટ ની નાદુરસ્‍ત તબિયતને કારણે ગેરહાજરી વર્તાઈ પણ કાર્યક્રમનુ સમાપન કરતા પહેલા સૌ એકમતે સહમત થયા કે બ્રહ્માનંદ સ્‍વામીએ રચેલા પદોનો આસ્‍વાદ ગુજરાતના સાહિત્‍ય રસિકોને કરાવવામાં હજી ઘણું કરવાનું બાકી છે એટલે આ સમાપન નહી પણ એક શુભ શરૂઆત છે.

(11:33 am IST)