Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કચ્છ-૨૨, ભાવનગર-૨૪, મોરબી-૧૯, દેવભૂમિ જિલ્લામાં બે કેસ

કનકપરમાં એક સામટા ૮ કેસ : ભૂજમાં ૧૦ કેસ : દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસ તળિયે : બે દિ'માં માત્ર ૭ કેસ

રાજકોટ તા. ૩૦ : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેમાં કચ્છના કનકપરમાં એક સામટા આઠ કેસ, ભૂજમાં ૧૦ મળી કચ્છમાં ૨૨ કેસ, ભાવનગરમાં ૨૪, મોરબીમાં ૧૯ કેસ નોંધાયા છે તો દ્વારકા જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડી હોય તેમ બે દિ'માં માત્ર ૭ કેસ નોંધાવા પામ્યા છે.

ભુજ

ભુજ : કચ્છના અબડાસામાં ચૂંટણી પછી કોરોના કેસો હવે બહાર આવી રહ્યા છે. હવે નાનકડા એવા કાનકપર ગામે એક સાથે સામટા ૮ કેસ જયારે જિલ્લા મથક ભુજમાં નવા ૧૦ કેસ સાથે કુલ ૨૨ કેસ નોંધાયા છે. કરછમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૩૨૨૮ થયો છે. સાજા થનાર દરદીઓની સંખ્યા ૨૮૯૮ થઈ છે. એકિટવ કેસ ૨૧૭ છે. જોકે, બિનસતાવાર વધતા મોત વચ્ચે સરકારી ચોપડે હજીયે મોતનો આંકડો હજીયે ૭૧ જ દર્શાવાય છે.

ભાવનગરમાં ૨૩ દર્દીઓ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૨૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૦૯ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૨૨ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૨૧ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૨૩ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૦૯ કેસ પૈકી હાલ ૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૦૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જિલ્લામાં ૧૩ દર્દીઓ સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૨ કેસોમાં ૦૬ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૨ કેસો શહેરી વિસ્તારમાં, હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં જયારે ટંકારાના ૦૩ અને માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૯ કેસો નોંધાયા છે જયારે ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૬૪૨ થયો છે જેમાં ૧૮૦ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૩૦૭ દર્દીઓ સ્વસ્થ થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે માત્ર બે કેસ

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સતત આરોગ્ય માટે ધનવંતરી રથના ફેલાવા તથા કામગીરી તથા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલની ટીમ દ્વારા તથા આરોગ્યકર્મીઓ અને એન.જી.ઓ.ની ટીમોની જાગૃતતાને કારણે સમગ્ર રાજ્યમાં તળે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો તથા જિલ્લામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

દ્વારકા જિલ્લામાં રવિવારે સમગ્ર જિલ્લામાં માત્ર ભાણવડમાં જ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ખંભાળીયા, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં એક પણ કેસ નોંધાયો નહતો. જ્યારે ભાણવડના બે દર્દી ડિસ્ચાર્જ કરાયા હતા. શનિવારે ખંભાળીયામાં ચાર તથા દ્વારકામાં એક કેસ નોંધાયો હતો.

(10:59 am IST)