Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

તાલાલામાં ભૂકંપના ૪ આંચકાઃ મોરબીમાં ધરા ધ્રુજી

૩.૨, ૩.૦, ૨.૦, ૧.૩ની તિવ્રતાના આંચકાથી પેટાળમાં સખળડખળઃ ગઈકાલે કચ્છના દુધઈમાં પણ ૩.૨ની તિવ્રતાથી માંડીને ૧.૮ની તિવ્રતાના ધરતીકંપ અનુભવાયા'તા

રાજકોટ, તા. ૩૦ :. ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં કાલે મોડી રાત્રીથી આજે બપોર સુધીમાં ભૂકંપના ૪ આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ગઈકાલે રવિવારથી આજે સોમવાર બપોર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના ૮ આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે મોરબીમાં પણ હળવો આંચકો અનુભવાતા ધરા ધ્રુજી હતી.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ કાલે રવિવારે મોડી રાત્રીના ૧.૧૨ વાગ્યે તાલાળાથી ૧૧ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ ૩.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ વહેલી સવારે ૪ વાગ્યે તાલાળાથી દક્ષિણ દિશા તરફ ૧૨ કિ.મી. દૂર ૧.૩ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જ્યારે આજે સોમવારે સવારે ૫.૫૨ વાગ્યે તાલાળાથી ૧૨ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ ૨.૦ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આજે બપોરે ૧૧.૧૪ વાગ્યે તાલાળાથી ૨૦ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ ૩.૦ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જ્યારે આજે સવારે ૬.૫૭ વાગ્યે મોરબીથી ૨૪ કિ.મી. દૂર પશ્ચિમ દિશા તરફ ૧.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ગઈકાલે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના ૩ આંચકા અનુભવાયા હતા. જેમાં ભચાઉ તાલુકાના દુધઈમાં રાત્રીના ૧૧.૭ વાગ્યે પૂર્વ દક્ષિણ દિશામાં ૭ કિ.મી. અંતરે ૩.૨ની તિવ્રતા સાથે ધરા ધ્રુજી હતી. ત્યાર બાદ રાત્રીના ૨.૫૩ વાગ્યે રાપરથી ૨૫ કિ.મી. દૂર પશ્ચિમ-દક્ષિણ દિશા તરફ ૧.૮ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે વહેલી સવારે ૪ વાગ્યે રાપરથી ૧૫ કિ.મી. દૂર પશ્ચિમ દિશા તરફ ૨.૦ની તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.

બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના ૮ હળવા આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે. જો કે આ તમામ આંચકા મોડી રાત્રીથી સવાર સુધીમાં આવ્યા હતા જેથી લોકોને કંઈ ખાસ અનુભવ થયો ન હતો.

(12:27 pm IST)