Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

સોમનાથમાં કેશુભાઇની શોકસભાઃ વિસાવદર-ભેંસાણ શોકમય બંધ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રધ્ધાંજલી અર્પણઃ મુખ્યમંત્રી કાર્યકાળમાં કરેલા કાર્યોને બિરદાવાયા

રાજકોટ તા. ૩૦: ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું ગઇકાલે અવસાન થતા ઘેરો  શોક છવાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રધ્ધાંજલી અર્પણ કરીને મુખ્યમંત્રી કાર્યકાળમાં તેમના કાર્યોને બિરદાવામાં આવ્યા છે.

આજે જુનાગઢ જીલ્લાનું વિસાવદર અને ભેંસાણ શોકમય રીતે બંધ છે જયારે શ્રી સોમનાથ અને શોકસભા યોજાઇ છે.

વિસાવદર-ભેંસાણ

(વિનુ જોષી-યાસીન બ્લોચ દ્વારા) જુનાગઢ-વિસાવદરઃ વિસાવદરમાં ૧૯૯પ,  ૧૯૯૮ એમ બે વાર ચુંટણી લડી બન્ને વાર મુખ્યમંત્રી બન્યા અને ઇ.સ. ર૦૧રમાં પણ ચૂંટણી લડીને ૪૦ હજાર મતોની જંગી લીડથી વિજેતા થયેલા કેશુભાઇના નિધનથી આ વિસ્તાર શોમય થયો હતો. આવતીકાલે ચેમ્બર ઓફ કોમર્સ નગરપાલિકા, માર્કેટયાર્ડ દ્વારા વિસાવદર બંધ રાખવાની જાહેરાત કરાઇ છે અને સાંજે પ થી ૭ લોહાણા મહાજનવાડી ખાતે શોકસભા યોજાયેલ છે. આ ઉપરાંત ભેસંસાણના વેપારીઓએ સવારે -૯૩૦ વાગ્યે શ્રધ્ધાસુમન અર્પણ કરીને બંધ પાળ્યો હતો.

વેરાવળ-પ્રભાસપાટણ

વેરાવળ-પ્રભાસપાટણઃ સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થતાં વેરાવળ-પાટણ તથા આસપાસનાં વિસ્તારનાં અગ્રણીઓ અને મહાનુભાવો કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી પાઠવી શકે તે હેતુસર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે લીલાવંતી અતિથી ભવન ખાતે સદગતને શ્રધ્ધાંજલી પાઠવવા અંગે શોકસભાનું આયોજન સવારનાં ૧૦ થી ૪ સુધી રાખવામાં આવેલ છે. તેમ સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અગવસાનનાં સમાચાર મળતા સોમનાથમાં તમામ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી અને શોક પાળેલ હતો.

કેશુભાઇ પટેલ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન પદે ઘણા વર્ષોથી સેવાઓ આપતા હતા અને તેમનાં સમય ગાળામાં તેમની દેખરેખ હેઠળ સોમનાથમાં અનેક વિકાસનાં કામો થયેલ છે અને તેમનું અવસાન થતા સોમનાથ પ્રભાસ પાટણ વિસ્તારનાં લોકોમાં શોકનું વાતાવરણ ફેલાયેલ છે અને પોતાના કામ ધંધા અને દુકાનો બંધ રાખીને શોક વ્યકત કરેલ છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણઃ રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થતા જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી જણાવેલ ગુજરાત માટે તેઓનું અનન્ય યોગદાન રહ્યું છે. તેમના જીવનકાળમાં તેમણે પ્રજા ઉપયોગી અનેક કાર્યો કરેલ. તેઓ કુશળ સંગઠક અને પ્રભાવી શાસક હતા. તેમની કોઠા સુઝ ગજબની હતી. તેમના નિધનથી ગુજરાતને કદી ન પુરાયા તેવી ખોટ પડી છે. તેમણે કરેલા અનેકાએક લોકહિતના કાર્યો પ્રજામાં સદાય જીવંત રહેશે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ ભાજપના પાયાના પથ્થર કહેવાતા હતા.ત્યારે જનસંદ્યનું ભાજપમાં વિલિનીકરણ થયા બાદ ભાજપ સ્વતંત્ર પક્ષ બન્યો હતો.કટોકટી પછી સ્વતંત્ર ભાજપ પક્ષની સ્થાપના થયા બાદ કેશુભાઈ પટેલ ભાજપમાંથી પ્રથમ ગોંડલ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતા.જેમાં તેમના પ્રતિસ્પર્ધી નાનજીભાઈ ભાલોડીને ૧૫૦૦૦ કરતા વધું મતોથી કેશુભાઈ પટેલ વિજેતા થયા હતાં.વિધાનસભામાં તેમણે પ્રથમ વખત ભાજપમાંથી ચૂંટાઈને ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી ધારાસભ્ય તરીકે રહ્યાં હતા. ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા પછી પણ તેઓ ગોંડલના જૂના જનસંધ અને ભાજપના પાયાના પથ્થર સમાન કાર્યકરોમાં પણ આજે દ્યણા કાર્યકરો હયાત નથી તેમ છતાં સ્વ.ગોવિંદભાઈ દેસાઈ,દુર્ગાબેન જોષી,કડવાભાઈ રૈયાણી,પી.આર.જાડેજા ગ્રામ્ય વિસ્તારમાં દેરડી(કુંભાજી)ના સ્વ.ડો રવજીભાઈ નરોડીયા,સ્વ.સવજીભાઈ આસોદરીયા, સ્વ.ઈન્દુકુમાર ત્રિવેદી સહિતના અનેક નાનામોટા કાર્યકરોને યાદ કરતાં હતાં જેમના સ્મરણો ભાજપના પાયાના કાર્યકરો આજે પણ યાદ કરી રહ્યાં છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા પક્ષના પાયાના પથ્થર એવા પીઢ આગેવાન, કુશળ વહીવટ કર્તા, દીર્ઘદ્રષ્ટા સંગઠક એવા કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શહેર ભા.જ.પા. વતી શહેર અઘ્યક્ષશ્રી સનતભાઈ મોદી, મહામંત્રીશ્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, શ્રી રાજુભાઇ બામભણીયા ઉપરાંત વરિષ્ઠ આગેવાનો કેન્દ્રીય મંત્રીશ્રી અને રાજયસભાના સંસદ મનસુખભાઇ માંડવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સંસદશ્રી ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી અને ભાવનગર પશ્યિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રીશ્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી રાજુભાઇ રાણા, મેયરશ્રી મનહરભાઈ મોરી સહિતના આગેવાનો એ આજે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી અને શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.

આ ગુજરાતે એક સંવેદનશીલ લોક સેવક અને રાજ નેતા ગુમાવ્યા છે કોઇ અજાણ્યા નાગરીકને કંઇ તકલીફ થાય અને તેની પીડા પોતે અનુભવે તેવા સંવેદનશીલ નેતા તરીકે ગુજરાતની પ્રજા કાયમ યાદ રાખશે ગુજરાતના ગામડાને ગોકુલગ્રામ બનાવવાનુ અને નર્મદા પાઇપ લાઇન દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પીવાનું પાણી પંહોચાડવાનું ભગીરથ કામ આદરણીય કેશુભાઈ પટેલે કર્યુ મને તેમની સાથે રાજય મંત્રી મંડળમાં કામ કરવાની તક મળી તેને હુ મારુ સદભાગ્ય સમજુ છુ સ્વર્ગસ્થને મારી શ્રધ્ધાંજલી પાઠવું છુ. તેમ રાજયના પૂર્વ ગૃહરાજયમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

(11:10 am IST)