Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

અધિકારીઓની સંવેદના ! નાગરિકને હાર્ટએટેક આવતા પ્રાંત અધિકારીની ગાડી એમ્બ્યુલન્સ બની

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૯ :  મોરબી તાલુકા મામલતદાર નિખિલભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબીના આંદરણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની ગામની પ્રાથમિક શાળામાં ગામલોકો સાથે બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન ગામના વડીલ દિલીપ મહારાજ શાસ્ત્રીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને આચકી ચાલુ થઈ જતા બેઠકમાં હાજર ગામના આરોગ્યના સ્ટાફે પ્રાથમિક ઉપચાર કર્યો હતો.

પરંતુ આ વડીલને બ્લડ પ્રેશર વધી જતું હોય એટેક જેવી સ્થિતિમાં તાકીદે સર્જનની સારવારની જરૃર હોવાથી હોસ્પિટલમાં ખસેડવા માટે ૧૦૮ને જાણ કરી હતી. પણ આ એમ્બ્યુલન્સને મોરબીથી આંદરણા પહોંચતા ઘણી વાર લાગે એમ હોવાથી ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ તાકીદે પોતાના સરકારી વાહનમાં દર્દીને સારવાર અર્થે ખસેડયા હતા. જો કે મોરબી નજીક મહેન્દ્રનગર ચોકડીએ ૧૦૮નો ભેટો થઈ થઈ જતા એમા દર્દીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આમ અણીના સમયે અધિકારીની સંવેદનાને કારણે એક નાગરિકનો જીવ બચી ગયો હતો.

(2:57 pm IST)