Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ચુડાના કુડલા ગામે પશુ ચારવા બાબતે ધિંગાણું ખેલાયું : ધારિયા ઉલાળ્યા : 10 લોકો ઘાયલ

બન્ને પક્ષના 30થી વધુ લોકો ધોકા, પાઈપ, ધારીયા સહિતના હથિયારો લઈ સામસામે આવી ગયા

 

ચુડા તાલુકાના કુડલા ગામે પશુ ચારવા બાબતે એક જ જ્ઞાતિના બે પક્ષો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. બન્ને પક્ષોના 30થી વધુ લોકો લાકડી, પાઈપ, ધારીયા સહિત હથિયારો લઈ સામ-સામા આવી ગયા હતા. એકબીજા પર હુમલો કર્યો હતો. જેમાં બન્ને પક્ષોના 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી

ચુડા તાલુકાના કુડલા ગામે પશુ ચારવા બાબતના જૂના ડખામાં મારામારી થઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. એક જ જ્ઞાતિના બે પક્ષોના લોકો વચ્ચે વૃદ્ધાના બારમાંની વિધિમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બન્ને પક્ષોના 30થી વધુ લોકો લાકડી, પાઈપ, ધારીયા સહિતના પ્રાણ ઘાતક હથિયારો લઈ સામ-સામા આવી ગયા હતા.

એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. હુમલામાં બન્ને પક્ષોના 10 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં એક પક્ષના ભુરાભાઈ શિયાળીયા, દાનાભાઈ શિયાળીયા, રામાભાઇ શિયાળીયા, ગીગાભાઈ શિયાળીયા, મયુરભાઈ શિયાળીયા, વાલાભાઈ શિયાળીયા ઘાયલોને સારવાર માટે ચુડા હોસ્પિટલે ખસેડાયા હતા. જયારે સામા પક્ષના ઘાયલોને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. ચુડા પોલીસ હોસ્પિટલ પહોંચી બન્ને પક્ષોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 pm IST)