Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ઇન્ડીયન નેવીના સુરેન્દ્રનગરના લીલાપુરના જવાનનું નિધન થતા 'શહીદ જવાન તુમ અમર રહો'ના નારા સાથે અંતિમવિધી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો વતની અને ચાર વર્ષથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો કુલદીપ થડોદા નામનો નેવીનો જવાન હાલ INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો. ૨૮ તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દેહને તેના વતન લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી. પોતાના ગામના શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફટનન્ટ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. શહીદ યુવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુકિતધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જયાં કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રક્ષાબંધનના ૨૪ દિવસ પૂર્વે બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો

શહીદ જવાન કુલદીપ થડોદા તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. જે શહીદ થતા પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું. આવતા મહિને રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સ્વભાવિક છે કે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાની તૈયારી કરતી હોય છે. ત્યારે શહીદ જવાનના બહેન મેઘાબહેન પણ તૈયારી કરતા હશે. પરંતુ, રક્ષાબંધન આવે તે પહેલા જ એકનો એક ભાઈ શહીદ થતા મેઘાબહેને ભાઈના અંતિમ સંસ્કાર કરતા ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી.

૨૦૧૭માં ઇન્ડિયન નેવીમાં સામેલ થયા હતા

કુલદીપ થડોદાએ વર્ષ ૨૦૧૭માં જ ઈન્ડિયન નેવી જોઈન કર્યું હતું. ભરતી થયા બાદ ૬ મહિના ઓડિસા, ૧ મહિનો મુંબઈ, ૧ મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા. જેઓ ૨૮/૭/૨૦૨૧ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહ્યા હતા ત્યાંરે શીપ પર સર્જાયેલા એક અકસ્માતમાં શહીદ થયા હતા.

(1:14 pm IST)