Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રસ્તામાં થુંકવા બાબતે પાટડીના ખારાઘોડામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં ૧૦ને ઇજા

બંને પક્ષ વચ્ચે સામસામી પોલીસ ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : ખારાઘોડામાં એક જ કોમના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, ૮ થી ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયાપાટડી પોલીસ મથકે બંને જૂથોએ સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરાઇ ખારાઘોડામાં રસ્તામાં થુંકવા બાબતે મહિલા અને યુવાન વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીના ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા એક જ કોમના બે જુથ એકબીજા પર તલવાર, ધારીયા, પાઇપ અને લાકડી વડે તૂટી પડ્યા હતા. આ ઝઘડામાં આઠથી દશ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પાટડી પોલીસ મથકે બંને જુથોએ સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરાઇ છે.

ખારાઘોડાના ઇસબભાઇ ઉંમરભાઇ સીપાઇએ ખારાઘોડાના ફરીદભાઇ એમદભાઇ, યાસીનભાઇ એમદભાઇ, ઇકબાલભાઇ એમદભાઇ અને એમદભાઇ ઇસ્માઇલભાઇ વિરૂદ્ઘ પાટડી પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ ખારાઘોડાના ઇસબભાઇ ઉંમરભાઇ સીપાઇના દિકરા હકીમભાઇ પત્નિ ઝરીનાબેન ગામમાંથી દૂધ લઇને પરત આવી રહી હતી ત્યારે એમદભાઇ ઇસ્માઇલભાઇનો દિકરો ઇમરાન ઝરીનાબેન સામે થુંકીને ગાળો બોલતા થયેલા સામાન્ય ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી ચારેય આરોપીઓ લોખંડની ટોમી, ધારીયા અને લાકડી વડે તૂટી પડતા ચારથી પાંચ લોકોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ઇસબભાઇ ઉંમરભાઇ સીપાઇએ ખારાઘોડાના ચાર શખ્સો વિરૂદ્ઘ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે સામા પક્ષે ખારાઘોડાના ફરીદ એમદ બલોચે ખારાઘોડાના ઇસબભાઇ વાગડ, સદામ ઇસબભાઇ, હકીમભાઇ, મહંમદભાઇ ઇસબભાઇ, મુસ્તુફા કાજીભાઇ, રમઝાન કાસમભાઇ અને સબાહુસેન વિરૂદ્ઘ પાટડી પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરીયાદ મુજબ હકીમભાઇની પત્નિ ઝરીનાબેન સાથે થુંકવા સાથે બોલાચાલી થયા બાદ આ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ એક સંપ કરીને તલવાર, ધારીયા, લોખંડની પાઇપ અને લાકડી વડે તૂટી પડતા સામા પક્ષે પણ પાંચથી છ લોકોને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા.

આ બનાવ અંગે પણ ખારાઘોડાના ફરીદ એમદ બલોચે ખારાઘોડાના સાત શખ્સો વિરૂદ્ઘ પાટડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પાટડી પોલીસે સામસામે પોલીસ ફરીયાદ નોંધી બંને પક્ષે નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ. ઠાકર ચલાવી રહ્યાં છે.

(1:13 pm IST)