Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

લાઠી તાલુકાના ચાવંડથી કરકોલીયા,નાના રાજકોટ,રામપર સુધીના માર્ગમાં જંગલ કટીંગ કરતું તંત્રઃ વિરજીભાઈ ઠુંમરની સફળ રજુઆત

માર્ગ પર જંગલ કટીંગ થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં રાહતની લાગણી પ્રસરી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૩૦: લાઠી તાલુકાના ભુરખિયા તરફ જતા માર્ગપર બાવળ અને ઝાડીઓના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાડમારીનો સામનો કરવાની ફરજ પડે છે તેમજ અકસ્માત સર્જવાની ભીતિ પણ સતાવે હતી ત્યારે જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા તાત્કાલિક અસરથી અહીંના માર્ગો પર જંગલ કટીંગ કરવું જરૂરી બન્યું હતું ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જિલ્લા પંચાયતના બાંધકામ શાખાને પત્ર પાઠવી તાકીદની અસરથી અહીં માર્ગોએ જંગલ કટીંગ કરવા રજુઆત કરી માંગણી કરવામાં આવી હતી.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે લાઠી તાલુકાના ચાંવડથી ભુરખિયા જતા માર્ગમાં કરકોલીયા,નાના રાજકોટ,અને રામપર સુધીના માર્ગમાં બાવળ અને ઝાડીઓ ખૂબ આડી આવે છે રોડ તરફ નમી ગયેલ છે તેમજ અમુક બાવળ તો અડધા રોડમાં પડી ગયેલા છે પણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા નથી.

રોડતરફ આડા આવતા બાવળના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે તેમજ અકસ્માત થવાની પુરેપરી શકયતાઓ છે અહીં ભુરખિયા જતા લોકો આ માર્ગ નો મોટી સંખ્યામાં ઉપયોગ કરે છે તેમજ અન્ય વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય છે અને ભુરખિયા હનુમાનજીની જગ્યા ખૂબજ સુપ્રસિદ્ઘ હોવાથી શ્રધ્ધાળુ આ માર્ગ પર પસાર વધુ થાય છે તેમજ નજીકના દિવસોમાં શ્રાવણ માસ આવતો હોય ત્યારે આ માર્ગમાં પૂરતા પ્રમાણમાં જંગલ કટીંગ કરવું ખુબજ જરૂરી હતું ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની રજુઆતના પગલે જિલ્લા પંચાયતની બાંધકામ શાખાનું તંત્ર દોડતું થયું હતું અહીં સવારથી સમગ્ર રોડ માર્ગ પર ઝાડી બાવળ દૂર કરી પૂરતા પ્રમાણમાં જંગલ કટીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ માર્ગોમાં પડેલ બાવળ ને પણ દૂર કરી માર્ગ ખુલો કરવામાં આવ્યો હતો સમગ્ર રોડપર જંગલ કટીંગ થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઇ હતી.

(1:12 pm IST)