Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ઉપરકોટની મુલાકાતે રાજયપાલ

ઐતિહાસિક ધરોહરની જાળવણી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ : અડી કડી વાવ, નવઘણ કુવો,અનાજ ભંડાર, બૌદ્ઘ ગુફાઓ નિહાળતા રાજયપાલશ્રી

જૂનાગઢ,તા.૩૦: ઐતિહાસિક ધરોહર મહાનુભાવો નો ઇતિહાસ રાષ્ટ્રના વિકાસમાં કાયમ માટે માર્ગદર્શન આપે છે. તેમજ ઐતિહાસિક વિરાસતની જાળવણી આવનારી ભવિષ્યની પેઢી માટે પ્રેરણારૂપ છે, તેમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું.

રૂ. ૪૫.૪૬ કરોડના ખર્ચે પૈારાણિક ઉપરકોટના કિલ્લાના જીર્ણોધ્ધારની કામગીરી પ્રવાસન વિભાગ દ્વારા કાર્યરત છે. આ સંદર્ભે રાજયપાલશ્રીએ ગુજરાત સરકારની સાંસ્કૃતિક વિરાસતોની જાળવણીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, આ કામગીરીથી દેશભરના ટુરીસ્ટો  આ કિલ્લાને નિહાળવા આવશે પ્રવાસનને વેગ મળશે.

રાજયપાલશ્રીએ ઉપરકોટની મુલાકાત દરમ્યાન અડી કડી વાવ,નીલમ તોપ, નવઘણ કુવો, અનાજના ભંડાર, રાણકદેવી મહેલ, બૌદ્ઘ ગુફાઓ સહિતના પૌરાણિક સ્થળો નિહાળી  તેના ઇતિહાસ વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી.

જૂનાગઢની એક દિવસની મુલાકાતે આવેલા રાજયપાલશ્રીએ  ઉપરકોટ ખાતે વોચ ટાવર પરથી જૂનાગઢ નો નજારો પણ માણ્યો હતો.તેમણે ગીરનાર તેમજ અહિના પૌરાણિક મંદિરો  સૌના માટે આકર્ષણના કેન્દ્ર છે, તેને નિહાળવાનો આનંદ છે.

ટુરીઝમ વિભાગના અધિકારીઓએ ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવવા સાથે રીસ્ટોરેશનની ફીલાસોફી મુજબ જે તે સાઇટ સ્મારકની પ્રાચીન ભવ્યતા પ્રસ્થાપીત કરવામાં આવે છે. એમા કોઇ નવી કે વધારાની કામગીરી કરવાની ન હોય તેમજ આ કામગીરી વખતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્ઝર્વેશન અને રીસ્ટોરેશનના માપદંડ અનુસરવાના હોય છે.

રાજયપાલશ્રીએ ઉપરકોટની મુલાકાત પહેલા ભારત વર્ષના ભવ્ય ભુતકાળની ઝાંખી કરાવતા સમૃધ્ધ અશોકના શિલાલેખ અને ગિરનાર રોપ-વે સાઇટની પણ મુલાકાત લીધી હતી.

રાજયપાલશ્રીની આ મુલાકાત પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી રચિતરાજ મ્યુનિસિપલ કમિશનર શ્રી આર.એમ. તન્ના,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડાશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રવીન્દ્ર જાડેજા, સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા.

(1:03 pm IST)