Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રવિવારે જામનગરમાં શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ર૦૮૦પમો દિવસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૩૦ : જામનગરના આંગણે પુ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજે તા.૧-૮-૧૯૬૪ના શુભ દિને શ્રી રામ જય રામ જય જય રામ મંત્ર ઉચ્ચારી તળાવની પાળે શુભ શરૂઆત કરાવી.આ શુભ દિને જામનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે તા.૧-૮-૧૯૬૪ લખાણી છે તે આપ સહુ જાણો છો.

જામનગરમાં પાકિસ્તાન સાથેનું યુધ્ધ થયુ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને છેવટે કોવીડ જેવી મહામારી આવી, પરંતુ આ રામ ધુન અખંડ એક ક્ષણ પણ બંધ નથી થઇ, તેમાં હનુમાનજી મહારાજની કૃપા ગણવી જોઇએ, પણ સાથે જામનગરની પ્રજાનો પણ સાથ સહકાર ભુલી શકાય તેમ નથી.

આ મંદિરનું નામ ગ્રીનીઝ બુક રેકોર્ડમાં બે વખત આવી ચુકયુ છે. વિશ્વ રેકોર્ડ રામ ધુનનુ ગુજરાતમાં માત્ર એક જ છે, તે ગુજરાત માટે ગૌરવ સમાન છે.

આજે દેશ વિદેશથી પણ લોકો પુછતા આવે છે, ઉપરાંત મોટી કંપનીમાં આવતા તથા સરકારી ક્ષેત્રે આવતાં દરેક મહેમાનો અચુક દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.

આપ વિચાર કરશો, પ૭ વર્ષના મહિના ૬૮૪, ૬૮૪ મહિનાના દિવસો ર૦૮૦પ, ર૦૮૦પ દિવસોના કલાક : ૪૯૯૩ર૦ ૪૯૯૩ર૦ કલાકની મીનીટ ર૯૯પ૯ર૦૦ સેકન્ડ ગણીએ તો આપનું હૃદય પુલકિત થઇ જશે. આ અખંડ રામ નામ મંત્રના નાદ ઘોષથી આજ દિવસ સુધી કોઇને આચ આવી નથી, કારણ કે આપણા ઉપર રામ નામનો વરસાદ વરસતો રહે છે. પ૭ વર્ષમાં રામ નામ કેટલા કેટલા લેવાયા તે આપ જોઇ શકયા છે તો લાખો માણસોના મુખેથી લેવાય તો કેટલી ઉર્જા પ્રગટ થાય તે કલ્પનાતીત છે.

તા.૦૧-૦૮-ર૦ર૧ના રોજ સાંજે ૭ વાગ્યે મહા આરતીનો લાભ લેવા જામનગરની જનતાને અનુરોધ છે અને પ્રભુ રાજા રામ પાસે પ્રાર્થના કરીએ કે, હાલ આવેલા કોરોનામાંથી સમગ્ર ભારતને મુકત કરીએ.

(1:01 pm IST)