Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વરજાંગ જાળીયા ગામે ગેરકાયદેસર રેતી કાઢવા પ્રશ્ને બબાલઃ ગ્રામજનોએ હિટાચીની બેટરી કાઢી નદીમાં નાખી દીધી

(કૃષ્ણકાંત એચ ચોટાઈ દ્વારા)ઉપલેટા તા. ૩૦: અહિંયા થી ૮ કિ.મી દુર આવેલા વરજાંગ જાળીયા ગામે ગેરકાયદેસર રેતી કાઢવાના પ્રશ્ને ગ્રામજનો અને ખનીજ માફીયાઓ સામ-સામે આવી જતાં આ બાબતે બબાલ થતાં ગ્રામજનોએ ઉપલેટા મામલતદાર અને પોલીસે ફોન કરી બોલાવતાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની જાણ કરવા છતાં તંત્રએ કોઈ જાતનાં પગલા ન હોય તંત્ર ધૃતરાષ્ટ્રની ભુમીકામાં હોય તેવી ગ્રામજનોમાં લાગણી ફેલાણી છે.

જયારે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતાં ગ્રામજનોએ એકઠા થઈ હીટાચી મશીનની બેટરી કાઢી વાયરીંગ તોડી નાખેલ છે અને બેટરી નદીના પાણીમાં નાખી દીધા હોવાની ગ્રામજનોએ જણાવેલ છે જયારે રેતી ભરવા આવેલ ચારેક જેટલા ડમ્પર અને લોડર આ બબાલ થતાં ત્યાંથી નાશી છુટેલ હતા.

ઉપલેટા તાલુકામાંથી પસાર થતી મોજ, ભાદર અને વેણુ નદિમાંથી વર્ષો થી ખનીજ ચોરી થાય છે. જે જગ્યાની લીઝ છે ત્યાં રેતી ન હોવા છતાં આ જગ્યાની પહોંચો આપી બીજી જગ્યાએથી રેતી ઉપાડવામાં આવે છે. આ સમગ્ર બાબત તંત્રના ધ્યાનમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. વરજાંગ જાળીયા માં પણ આવું જ થયું તંત્ર ને જાણ કરવા છતાં તંત્ર એ કોઈ પગલા ન લેતા અંતે અપના હાથ જગન્નાથ ની જેમ ગ્રામજનોએ સાથે મળી અને બબાલ કરતા આજે આ પ્રશ્ન સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બનેલ છે.

મામલતદાર માવદિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે વરજાંગ જાળીયા પાસે ૨ એકરની લીઝ મંજુર થયેલી છે. પણ તેમના ખાંભા કયાંય દેખાતા નથી જે જગ્યાએ થી રેતી કાઢવાની ગ્રામજનોની ફરીયાદ છે. ત્યાં લીઝ છે કે નહિ તે અંગે ખાણ ખનીજ ખાતાને, કલેકટરને અને ડેપ્યુટી કલેકટરને રીપોર્ટ કરેલા છે ખાણ ખનીજ ખાતું આવે અને જગ્યાની માપણી કરે પછી ખબર પડે કે જે જગ્યાએથી રેતી કાઢવામાં આવે છે. તે કાયદેસરમાંથી કાઢે છે કે ગેરકાયદેસર રીતે ઉપાડે છે. આ નકિક થયા પછી આગળ શું કાર્યવાહિ કરવી તે નકિક કરવામાં આવશે. આમ હાલના તબ્બકે પોલીસ અને રેવન્યુ તંત્રએ આ અંગે કોઈ પગલાં લેવા

તૈયાર ન હોય ફકત રીપોર્ટ કરી સંતોષ માનેલ છે. આમ તંત્રની આ બાબતે ગ્રામજનો શંકા કુસંકા કરી રહયા હોવાનું લોકોમાં ચર્ચોઈ રહયું છે.

(11:54 am IST)