Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કદાવર ખેડૂત નેતા અને માજી સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય પુણ્યતિથીએ મહારકતદાન કેમ્પમાં ૬૯૦૦થી વધુ યુવાનોએ રકતદાન કર્યું

સર્વરોગ નિદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની હાજરીમાં સંપન્ન થયા : ગરીબ દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોએ રકતદાન કરી માનવતા દર્શાવી

(કેતન ઓઝા - કિશોર રાઠોડ દ્વારા) જેતપુર - ધોરાજી તા. ૩૦ : ગુજરાતના કદાવર ખેડૂત નેતા અને માજી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની દ્વિતિય પૂણ્યતિથિ નિમિત્તે ૩૦ થી વધુ ગામોમાં મહારકતદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમો રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ચેતનાબેન રાદડિયા તેમજ લલીતભાઈ રાદડિયાના હસ્તે જામકંડોરણા ગામ ખાતે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

તેમજ જેતપુર ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ બ્લડ ડોનેશન કેમ્પ ની મુલાકાત લીધી હતી જે અંગે મંત્રી જયેશભાઇ રાદડિયાએ પણ સમગ્ર ગુજરાતમાં ચાલતા ૩૦ જેટલા ગામોમાં બ્લડ ડોનેશન કેમ્પ ની વિસ્તૃત માહિતી આપી હતી

વિઠ્ઠલભાઈ રાદડિયાના જુજારૂ વ્યકિતત્વને છાજે તેવી શ્રધ્ધાંજલી અર્પવા સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ અને અમદાવાદમાં પણ બ્લડ ડોનેશન સહિતના સેવાકિય કાર્યોનું આયોજન વિવિધ સંસ્થાઓ તેમના ટેકેદારો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા કરવામાં આવેલ હતું.

જયારે સ્વ.વિઠ્ઠલભાઈના માદરેવતન જામકંડોરણા ઉપરાંત જેતપુર, નવાગઢ, રાજકોટ, સુરત, જૂનાગઢ, રાણપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ઉપલેટા, ગોંડલ, જસદણ, કેશોદ, ટંકારા, અરડોઈ, ધાવા (ગીર), મેંદરડા, કાલાવડ, પડધરી, બાયડ, વિસાવદર સહિતના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૩૦ સ્થળે રકતદાન કેમ્પોનું આયોજન કરવામાં આવેલ હતું.

સંબંધોના માણસ તરીકે લોકપ્રિય નેતા બનેલા મુઠી ઉંચેરા માનવી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં રાદડિયા પરિવાર ઉપરાંત સ્વ.વિઠ્ઠલભાઈના ટેકેદારો, ચાહકો અને કાર્યકરો રાજકિય હુંસાતુસી એક તરફ મૂકી સેવાકિય કાર્યો માટે કટિબધ્ધ બન્યા છે અને ભાંગ્યાના ભેરૂ સમાન સ્વ.વિઠ્ઠલભાઈની સ્મૃતિ સમાજ માટે યાદગાર-અનુકરણીય બને તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

આ સમયે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પી.એ વિપુલભાઈ બાલધા એ માહિતી આપવા જણાવેલ કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા બીજી પુણ્યતિથિ નિમિત્ત્।ે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૩૦ જેટલા શહેરોમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મેડીકલ કેમ્પ યોજાયા હતા જેમાં ૬૯૦૦ થી વધુ યુવાનોએ બહેનોએ રકતદાન કરી ગરીબ દર્દીઓ માટે સહાય રૂપ બન્યા હતા. સાથે સાથે મેડીકલ કેમ્પની અંદર પણ મોટી સંખ્યામાં ગરીબ પરિવારના દર્દીઓએ લાભ લીધો છે જેઓને વિનામૂલ્યે તપાસની સાથે સાથે વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.

સમગ્ર કેમ્પસને તેમજ મેડીકલ કેમ્પ અને સફળ બનાવવા માટે જામકંડોરણા કન્યા છાત્રાલય તેમજ કુમાર છાત્રાલય તેમજ વિપુલભાઈ બાલધા જીતુભાઈ ગોંડલીયા ગોપાલભાઈ તેમજ સમગ્ર સ્ટાફ ગામ એ જહેમત ઉઠાવી હતી.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પૂત્ર અને રાજયના યુવા કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, મારા પિતા સ્વ.વિઠ્ઠલભાઈએ જીવનભર ખેડૂતો, ગરીબો અને આમ જનતા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે પોતાની પાસે કામ લઈને આવતા કોઈપણ નાગરીકની નાત-જાત કે તેનો પક્ષ પૂછ્યો નથી અને માત્ર સેવાની ભાવનાથી કામ કર્યું છે. તેના કારણે સમગ્ર ગુજરાતમાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની એક સાચા લોકનેતા તરીકેની લોકચાહના છે અને તેથી જ તેમની સ્મૃતિમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વ્યાપાર-ઉદ્યોગ સંગઠનો ઉપરાંત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ સેવાભાવિ લોકો દ્વારા સેવાકિય કાર્યોના આયોજનો કરવામાં આવ્યા છે. મારા પિતાની સ્મૃતિમાં વિવિધ સેવાકિય કાર્યો કરનાર સંસ્થાઓ, સંગઠનો, આગેવાનો અને કાર્યકરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા પિતાશ્રીની માફક હું પણ એક જનપ્રતિનિધિ તરીકે તેમણે કંડારેલી કેડી પર ચાલી લોકોની સેવા કરવાની ખાત્રી આપું છું.

૩૦થી વધુ ગામોમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની બીજી પુણ્યતિથિ ને સફળ બનાવવા માટે વિવિધ ગામોના ખોડલધામ સમિતિ ગુજરાત લેવા પટેલ સમાજ તેમજ રાજકોટ જિલ્લા બેંક તમામ કર્મચારી વર્ગ રાજકોટ જિલ્લા સહકારી પરિવાર તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ટીમ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ ના પરિવારજનો વિગેરે હોદ્દેદારો જહેમત ઉઠાવી હતી.

(12:02 pm IST)