Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં એસ.પી. સહિતની આગેવાનીમાં ગુપ્ત પેટ્રોલીંગ : ૧૨ શખ્સોની પૂછપરછ

મોટી ગેરકાનુની કામગીરીનો પર્દાફાશ થવાની શકયતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૯ : સલાયા મુકામે બે દિવસ પૂર્વે એસપી સહિત અધિકારીઓની સાથે એલસીબી ટીમ તથા એસ.ઓ.જી ટીમ દોડી ગઇ હતી.

બિન સત્તાવાર મળતી માહિતી મુજબ બે દિવસ પૂર્વે મોડી સાંજે છે વહેલી સવાર સુધી એસપી સહિતના અધિકારીઓ કેટલીક ચોક્કસ બાતમીના આધારે સલાયા ખાતે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી આ સાથે દરિયામાં પણ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું કલાકો સુધી ચાલેલા આ ગુપ્ત પેટ્રોલિંગ બાદ આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ થાય તો નવાઇ કહી શકાય તેવું નથી.

આ પેટ્રોલિંગ દરમિયાન સલાયા ચાર રસ્તા નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે તેમજ વધુ એક પોસ્ટ લાલપુર રોડ ઉપર પણ ઉભી કરવામાં આવી છે પોલીસના આ સઘન તપાસ પાછળ કોઈ મોટું ગેરકાનૂની કામ બહાર આવી શકે તેવી પણ શકયતા જોવા મળી રહી છે.

વધુમાં બિનસત્તાવાર રીતે એવું પણ જાણવા મળ્યું છે કે સલાયામાં નાઈટ ચેકિંગ દરમિયાન ૧૨ જેટલા શખ્સોને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને ચોક્કસ લોકો ઉપર ખાસ નજર પણ રાખવામાં આવી રહી છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સલાયાના દરિયાઇ વિસ્તારમાંથી અગાઉ પણ વિદેશથી જહાજ મારફત ચરસ ગાંજા જેવા માદક દ્રવ્યો ઘુસાડવામાં આવતા પોલીસે ઝડપી પાડયા હતા તેમજ અગાઉ સોનાની દાણ ચોરી પણ ઝડપાઇ ચુકી છે ત્યારે આ બાબતે પોલીસ ફરી સક્રિય બની હોય તેમ જણાઈ રહ્યું છે.

(1:04 pm IST)