Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ભાણવડ-ખંભાળીયા-કલ્યાણપુરમાં જુગારના ચાર દરોડામાં ર૦ શખ્સો ઝડપાયા

ખંભાળીયા તા. ર૯ :.. શ્રાવણ પહેલા જ દ્વારકા જિલ્લામાં પાના પીસવાની પ્રેકટીશ શરૂ થઇ ગઇ હોય તેમ ઠેક-ઠેકાણે જૂગારની મહેફીલો શરૂ થતાં પોલીસે કાર્યવાહી કરી છે. ભાણવડના ગુંદા, કલ્યાણપુર, ખંભાળીયા, તેમજ કલ્યાણપુર તાલુકામાં જૂગારના ચાર દરોડામાં ર૦ શખ્સોને ઝડપી રોકડ, મોબાઇલ, બાઇક, કાર મળી કુલ રૂ. ર.૭૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. ભાણવડના ગુંદા ગામે દલિતવાસમાં રામાપીરના મંદિર પાસે ભાણવડ પીએસઆઇ એન. એચ. જોષી સહિતના સ્ટાફે દરોડા પાડતા ચંદુ વીરજીભાઇ પરમાર, ચના દેવાભાઇ પરમાર, રમેશ દેવશીભાઇ પરમાર, રમેશ હસમુખભાઇ ધાણક, રમેશ બાબુભાઇ ભટ્ટી રહે. તમામ  ગુંદા તથા નરેન્દ્ર ઉર્ફે ભોપો કાનજીભાઇ ખુંટી રહે. ભાણવડ તમામને ઝડપી લઇને તેમની પાસેથી રોકડ ૧૧૦૮૦ ની મતા કબજે કરી છે.

બીજા દરોડામાં ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામે પંચાયતની ઓફીસ પાસે રહેતો નોંધુ ઉર્ફે નુંધા દેવાભાઇ કરમુર પોતાનું ભાડાનું મકાન રાખી બહારથી માણસો બોલાવી તીનપતીનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. એમ. ચાવડાની સુચનાથી ક્રાઇમ બ્રાંચની ટીમે રેઇડ કરતાં ગોવા મારખીભાઇ ભાટુ, કેશુર ઉર્ફે કિશોર લખમણભાઇ કરમુર, કરશન હમીરભાઇ ભોંચીયા, માલદે અરજણભાઇ ભોંચીયા તથા જૂગાર રમાડનાર નોંધુ ઉર્ફે નુંધો દેવા કરમુર તમામને પકડી પાડી તેમની પાસેથી રોકડ ૧પ,૧૯૦, મોબઇલ-૪, મોટર સાયકલ ૩ મળી કુલ રૂ. ૯ર૬૯૦ નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરી ભાણવડ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. ત્રીજા દરોડામાં ખંભાળીયામાં પોલીસ મથકના પીઆઇ વી. વી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો. કોન્સ. પ્રદિપસિંહ જાડેજાને ચોકકસ બાતમી મળી હતી કે, સ્ટેશન રોડ પર આશાપુરા ફાઇનાન્સ ઓફીસની સામે આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસે જીજે-૧૦-એપી-૬રપ૯ નંબરની ઇકો કારમાં મોબાઇલ પર લુડો ગેમ રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે તપાસ કરતા ઇકો કારમાં લુડો ગેમ પર જૂગાર રમતા હેમુભા મોકાજી કંચવા રહે. દાતા, ગાંગા વાલાભાઇ મકવાણા રહે. ખંભાળીયા, રાજેશ અરજણભાઇ ધારાણી રહે. હરસિધ્ધીનગર ખંભાળીયા, રમેશ ઉર્ફે રાહુલ ગોપાલભાઇ ધારાણી રહે. લલીયા ગામ ચારેયને ખંભાળીયા પોલીસે ઝડપી લઇ રોકડ, મોબાઇલ તથા ઇકો કાર મળી કુલ ૧,૭૦,૧૧૦ નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. ચોથા દરોડામાં કલ્યાણપુરના ભોગાત ગામની સીમમાં પાના ટીંચતા જેસા ભીમશીભાઇ કરંગીયા, રાજા જીવાભાઇ રૂડાચ, દેવા સવદાસભાઇ કંડોરીયા, વાછીયા મંગાભાઇ રૂડાચ, નારણ રણમલભાઇ લુણાને ઝડપી લઇને કલ્યાણપુર પોલીસે ૩૪૮૦ ની મતા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:42 am IST)