Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પોરબંદરના મહિલા સહાયતા સેન્ટર દ્વારા એક વર્ષમાં ૧૪૦ કેસોમાં યોગ્ય માર્ગદર્શન અપાયું

પોરબંદર તા. ૩૦: પીડિત મહિલાઓની સહાયતા માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સરકાર દ્વારા કાર્યરત છે. રાજયના દરેક જિલ્લામાં આ સેન્ટર કાર્યરત છે. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં વર્ષ ર૦ર૧-રર માં ૧૪૦ થી વધુ કેસ આવ્યા છે.

પીડિતાને ન્યાય મળે તે માટે કાયદાકીય માર્ગદર્શન, પોલીસની કાર્યવાહી સહિત જરૃરી તમામ સહાયતા કરવાની સાથે મહિલા કાઉન્સેલર દ્વારા પીડિતાની સમસ્યા સાંભળી તેમને જોઇતુ તમામ માર્ગદર્શન આપવામાં આવે છે. મહિલા સહાયતા કેન્દ્રના નોડલ અધિકારી કાશ્મીરાબેન સાવંતે જણાવ્યું કે, મહિલાઓ પર થતી હિંસાને રોકવા માટે આ સેન્ટર ચાલુ છે. કોઇપણ પીડિતા ૧૮૧ માં કોલ કરીને પોતાની સમસ્યા જણાવી શકે છે. ઘરેલું હિંસા, સાયબર ક્રાઇમ, કામના સ્થળે જાતિય સતામણી, પરિવારજનો દ્વારા સતામણી, બાળકોનું શોષણ સહિત મહિલાઓ સામે થતી તમામ પ્રકારની હિંસા રોકવા અને પીડિતાને ન્યાય આપવા પોલીસ સ્ટેશન બેઇજડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.

વર્ષ ર૦ર૧-રર માં નોંધાયેલી ફરિયાદો પૈકી ૯૪ ફરિયાદ ઘરેલું હિંસાની છે. કાઉન્સેલર દ્વારા પીડિતાના પરિવારજનોને પણ બોલાવવામાં આવતા હોય છે. તથા જરૃર જણાયે પીડિતાને તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાંઆવે છે. તેમ મહિલા સહાયતા કેન્દ્રથી જણાવાયું છે.

(1:18 pm IST)