Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

તીર્થધામ બગદાણામાં મેઘરાજાની તોફાની બેટીંગ :3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ :રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા: બગડ ડેમ ઓવરફ્લો :નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા:બગડના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ

મેઘરાજાએ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિગ કરી છે. પ્રસિદ્ધ તીર્થધામ બગદાણામાં ગાજવીજ સાથે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી જતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે

ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં ખાસ કરીને વિખ્યાત યાત્રાધામ બગદાણા ખાતે વીજળીના કડાકા ભડકા સાથે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા માર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા હતા તેમજ જ્યારે બગડ નદીમાં આ પહેલા ધોધમાર વરસાદે ઘોડાપૂર આવ્યું હતુ. સીઝનના પહેલા જ ધોધમાર વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે, જેથી બગડના નીચાણવાળા અનેક ગામોમાં પાણી ભરાયા. બગડના પાણી ફરી વળતાં મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.

બગદાણામાં અનરાધાર 6 ઇંચ વરસાદ વરસી જતા ચોતરફ પાણી વહેતા થઇ ગયા હતા. રસ્તાઓ અને શેરીઓમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો

(12:12 am IST)