Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

મોરબીની કુરીયર કંપનીમાં ૫.૧૦ લાખની ચોરી કર્મચારી ક્રિતેજ ડવે કરી'તી ! ધરપકડ

રોકડા ૫.૧૦ લાખ અને કાર સહિત ૧૨.૧૫ લાખનો મુદામાલ કબ્‍જે : એલસીબી ટીમે ગણત્રીના કલાકોમાં ભેદ ઉકેલ્‍યો

તસ્‍વીરમાં ચોરીમાં પકડાયેલ શખ્‍સ અને કાર નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવીણ વ્‍યાસ, મોરબી)

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૦ : મોરબીની બ્‍લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ રોકડા રૂ.૫.૧૦ લાખની ચોરી કુરિયરના કર્મચારીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે અને મોરબી ક્રાઇમબ્રાન્‍ચે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખી આરોપીને રોકડા રૂ.૫.૧૦ લાખ તેમજ બ્રેઝા ગાડી સહિત ૧૨.૧૫ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રીના બારેક વાગ્‍યાથી સવારના નવેક વાગ્‍યાના સમયગાળા દરમિયાન મોરબીના શનાળા રોડ ઉપર જયદીપ પાઉભાજી નજીક આવેલ બ્‍લુ ડાર્ક કુરિયરની ઓફીસમા રોકડ રકમ તેમજ સીસીટીવી કેમેરા, ડીવીઆર સહિતની ચોરી થતા આ મામલે કુરિયર મેનેજર મયુરભાઇ ભીખાભાઇ સોલંકી, રહે.મોરબી રવાપર રોડ વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

 બીજી તરફ કુરીયરની ઓફીસના શટરના તાળા ખોલી ઓફીસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમની ચોરી થઈ હોય કોઈ જાણ ભેદુએ જ ચોરીને અંજામ આપ્‍યો હોવાની શંકાએ પોલીસે ટીમે તપાસ શરૂ કરી હતી અને ચકચારી ચોરીના આ બનાવમાં એલસીબી ટીમે પણ તપાસમાં ઝુકાવ્‍યુ હતું અને બાતમીનેદારોને કામે લગાડવાની સાથે ટેક્રિકલ ટીમોને કામે લગાડી હતી. દરમિયાન એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને ખાનગીરાહે બાતમી મળેલ કે કુરીયરની ઓફીસમાં આસીસ્‍ટન્‍ટ તરીકે કામ કરતો ક્રિતેજ રણજીતભાઇએ આ ચોરીને અજામ આપેલ છે જેથી તેની તપાસ કરતા ગ્રે કલરની બ્રેઝા ગાડી સાથે મોરબી નરસંગ ટેકરી પાસેથી મળી આવતા તેને ગાડી સાથે દબોચી લીધો જ હતો.

 વધુમાં આરોપી ક્રિતેજ ડવની એલસીબી ટીમે યુકિત -યુકિતથી પુછપરછ કરતા આ ગુન્‍હો આચરેલ હોવાની કબૂલાત આપતા આરોપી ક્રિતેજ રણજીતભાઇ ડવ, રહે. અંકુર સોસાયટી શનાળા રોડ, મેઇન રોડ, મોરબી. મુળ ગામ-સમઢીયાળા તા.બાબરા જી. અમરેલી વાળા પાસેથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખ, ગુન્‍હામાં ઉપયોગ કરેલ ગ્રે કલરની બ્રેઝા ગાડી કિમત રૂપિયા ૭ લાખ, ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨.૧૫ લાખની મુદામાલ કબ્‍જે કરી સીટી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી ગણતરીની કલાકોમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્‍યો હતો.

 આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્‍કવોડ અને ટેકનીકલ ટીમના પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(1:02 pm IST)