Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સુરેન્દ્રનગર જીલ્લામાં પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જિલ્લાના કૂલ 19 ગામોમાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર વિસ્તારમાં નીચે પાણી લેવા પર મનાઈ ફરમાવી

સુરેન્દ્રનગર જીલ્લામાં પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત ઉભી થયેલ હોઇ, સરકારની સૂચના અનુસાર બ્રહ્માણી-૨ ડેમ પીવાના પાણી માટે નર્મદા કેનાલ દ્વારા ભરવાનું આયોજન કરવામાં આવેલ છે.

ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડવામાં આવેલ છે. પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે ધ્રાંગધ્રા શાખા નહેરની લાઇનદોરીમાં આવતા ગામોનું પાણી ચોરી ન થાય તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત નહેર દ્વારા પીવાનું પાણી પહોંચાડવા તથા પાણીના વહન દરમિયાન ઘણી જગ્યાએથી ખેડૂતો દ્વારા કેટલાક ઇસમો દ્વારા અનઅધિકૃત રીતે મશીનો ,બકનળી, સબમર્સીબલ પંપ દ્વારા પાણીનો ઉપાડ અને ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ પમ્પિંગ સ્ટેશન ઉપર પહોંચી શકતો નથી.

આ સંજોગોમાં નિગમના સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ સહાય મદદ દ્વારા મોનીટરીંગ અને કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે પરિસ્થિતિ ક્ષણિક સુધરતી જણાય છે પરંતુ કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી જે દરખાસ્ત મુજબ ધ્રાંગધ્રા શાખા નહેરના વિસ્તારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(એમ) હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવે તો પાણીની થતી ચોરી અટકાવી શકાય તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર કૂલ-74.310 કિ.મી. લાંબી નહેરમાંથી વહન થતાં પાણીનો અનઅધિકૃત ઉપાડ અને ઉપયોગ અટકાવી શકાય તેમજ પીવાના પાણીની વ્યવસ્થામાં ભાંગફોડ ઊભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કોઈપણ કૃત્યો થતાં અટકાવી શકાય તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે

તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાળા અને અણીન્દ્રા ગામ, લખતર તાલુકાના બજરંગપુરા, વણા, ધણાદ, પેઢડા ગામ, ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ગાળા, રાજગઢ, હીરાપુર, ઇસદ્રા, ધ્રાંગધ્રા, રાજપર, હરીપર, જુના ઘનશ્યામગઢ,બાઈસાબગઢ, પીપળા, કંકાવટી, ગોપાલગઢ કૂલ 19 ગામોમાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર વિસ્તારમાં નીચે પાણી લેવા પર મનાઈ ફરમાવેલ છે.સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-19 પ્રતિબંધિત ગામોમાં જાહેરનામાની તારીખ 28-04-2022 થી 60 દિવસ સુધીના સમયગાળા દરમ્યાન અમલમાં રહેશે.

(12:37 am IST)