Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દોઢ માસ પહેલા સણોસરાની વાડીએ મધરાત્રે ખેડુત અને તેના પત્‍ની ઉપર હુમલો કરી ચલાવાયેલી લુંટનો ભેદ ખુલ્‍યો

ભોગ બનનાર દંપતિના આદિવાસી ભાણેજે કાવતરૂ રચી લુંટ કરી'તીઃ ક્રાઇમ બ્રાન્‍ચના પીએસઆઇ હુણ અને ટુકડીને સફળતા

રાજકોટ, તા, ૩૦: ગત ૧૭ મી માર્ચના રાત્રીના એકાદ વાગ્‍યાના અરસામાં રાજકોટ તાલુકાના સણોસરા ગામે  જયંતીભાઇ ખોડાભાઇ ઠુમ્‍મરની વાડીમાં રહી ખેતીવાડી કરતા વિરજીભાઇ ભગવાનજીભાઇ બાવળીયા (ઉ.વ.૪૬) નામના કોળી ખેડુત અને તેની પત્‍ની કાંતાબેન ઉપર ધારીયુ, લાકડી, દાતરડા વડે હુમલો કરી સોનાનો ચેઇન, નાકનો દાણો અને કાનના બુટીયા અને ઘરમાં પડેલા રોકડા રૂપીયા ૧, ૩૮,૦૦૦ સહીત બે લાખની લુંટ ૪ અજાણ્‍યા લુંટારૂઓએ  ચલાવી હતી. આ બનાવનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્‍ચને સફળતા મળી છે. દાહોદ પંથકના આદિવાસી સહીત પાંચને સકંજામાં લેવાયા છે.

આ બારામાં વિરજીભાઇ ભગવાજીભાઇ બાવળીયાની ફરીયાદ ઉપરથી ગુન્‍હો નોંધવામાં આવ્‍યો હતો. સીસીટીવી ફુટેજ સહીતના ટેકનીકલ સર્વેલન્‍સના આધારે અ ગુન્‍હાનો ભેદ ઉકેલાયો છે. અગાઉ વિરજીભાઇ સાથે પત્‍ની છોકરાઓ સહીત કામે રહેલા વિજય આદિવાસીએ પોતાની ઓળખ છતી ન થાય તે રીતે દુર ઉભા રહી પોતાના અન્‍ય ૪ સાગ્રીતો પાસે લુંટનો પ્‍લાન પાર પાડયો હતો.

વિજય આદિવાસી સહીત  પાંચને ઝડપી લેવાયા છે. મળતી માહીતી મુજબ ભોગ બનનાર વિરજીભાઇ બાવળીયાના પત્‍ની કાંતાબેન આદિવાસી હોવાનું બહાર આવ્‍યું છે. લુંટનો પ્‍લાન પાર પાડનાર વિજય તેના સગામાં થતો હોવાનું બહાર આવી રહયું છે. આ બારામાં બપોરે ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સમાં વિશેષમાં માહીતી આપવામાં આવશે.

(2:00 pm IST)