Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કલ્‍યાણપુરનાં પોલીસ કર્મચારીએ આપઘાત કરતા ૪ પુત્રીઓ માતા-પિતા વિહોણી

બે વર્ષ પહેલા મૃતક પ્રવિણભાઇ વાઘેલાનું કોરોનામાં મૃત્‍યુ થયુ'તું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩૦: દ્વારકા રોડ પર આવેલા ખોડીયાર મંદિર પાસે ગઇકાલે સાંજે કલ્‍યાણપુર પોલીસમાં રાયટર હેડ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઇ બુધાભાઇ વાઘેલા નામના ૩ર વર્ષના યુવાને પોતાની સર્વિસ રીવોલ્‍વરથી ગોળી ખાઇને આપઘાત કરતા ભારે ચર્ચા સાથે પોલીસ બેડામાં કરૂણતા ફેલાઇ છે.

કલ્‍યાણપુરમાં પોલીસ જમાદાર રાઇટર હેડ તરીકે કામગીરી કરતા સ્‍વ.પ્રવીણભાઇ વાઘેલા જિલ્લાના શ્રેષ્‍ઠ રાઇટર હેડ હતા તથા નોટ રીડીંગમાં અધિકારીઓના હસ્‍તે ઇનામો મેળવેલા હતા તથા કામગીરીમાં માસ્‍ટર હતા તેમણે આ પગલુ ભરતા ભારે ચર્ચા ફેલાઇ હતી.

બનાવની જાણ થતા એલપી નીતેશકુમાર પાંડે ડીવાયએસપી સમીર સારડા, નીલમ ગોસ્‍વામી, પીઆઇ એલસીબી જે.એમ.ચાવડા, કલ્‍યાણપુર પો.સ.ઇ. એલ.બી.ગગનીયા વિ. ઘટના સ્‍થળે પહોંચેલ તથા લાશને જામનગર પેનલ પીએમ માટે મોકલી છે તથા આજે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ થશે.

મૃતક પ્રવીણભાઇ વાઘેલાના પત્‍ની બે વર્ષ પહેલા જ કોરોનામાં મૃત્‍યુ પામ્‍યા હતા તથા સંતાનમાં ચાર દિકરીઓ ધરાવતા તેમણે સુસાઇટ નોટમાં પણ અગમ્‍ય કારણોસર આપઘાત કરતા હોવાનો ઉલ્લેખ કર્યાનું ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્‍યું હતું

(1:55 pm IST)