Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કરોડો રૂપિયાના ડ્રગ્‍સ પ્રકરણમાં પોલીસ વડા આશિષ ભાટીયા પીપાવાવ આવતા હોવાની ચર્ચા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૦ :.. રાજયના પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ આજે પીપાવાવની મુલાકાત લેવા આવતા હોવાની ચર્ચા છે.

પીપવાવમાંથી ઝડપાયેલા કરોડોના હેરોઇન પ્રકરણમાં સ્‍થળ તપાસ અને દરીયા સુરક્ષા નિરીક્ષણ માટે આવતા હોવાનું પણ ચર્ચામાં છે.

ગઇકાલે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્‍યું હતું કે આજે ગુજરાતના પીપાવાવ પોર્ટ પર એક કન્‍ટેનરમાંથી ૩૯૫ કિલો યાન (સૂતળી) મળી આવી હતી, જેમાં ૮૦-૯૦ કિલો ડ્રગ્‍સ સૂતળીમાં મૂકવામાં આવ્‍યું હતું. વાહનમાંથી હેરોઈનનો જથ્‍થો ઝડપાયો છે.

ગુજરાત ડીજીપીએ જણાવ્‍યું હતું કે એટીએસ અને ઈન્‍ડિયન કોસ્‍ટ ગાર્ડ દ્વારા ઈન્‍ટરનેશનલ મેરીટાઇમ બાઉન્‍ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં ૯ પાકિસ્‍તાનીઓ સાથે ‘અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ૫૬ કિલો હેરોઈન મળી આવ્‍યું છે. આરોપીને રિમાન્‍ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. ડીજીપીના જણાવ્‍યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્‍હી મોકલવામાં આવી છે. મુઝફ્‌ફરનગરમાંથી ૩૫ કિલો હેરોઈન જપ્ત. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્‍યા છે. ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ-એનસીબીનું સંયુક્‍ત ઓપરેશન હતું.

પીપાવાવથી પકડાયેલ કન્‍ટેનર છેલ્લા પાંચ મહિનાથી પોર્ટ પર પડ્‍યું હતું. જે અફઘાનિસ્‍તાનથી વાયા દુબઈ થઈને કન્‍ટેનર પોર્ટ પર આવ્‍યું હતું, પરતું કસ્‍ટમ ક્‍લિયરન્‍સ ન થયું હોવાથી પડ્‍યું હતું. તેવામાં ગુજરાત એટીએસને માહિતી મળતા હેરોઇન જથ્‍થો પકડાયો. જોકે થોડા દિવસ પહેલા કંડલા પોર્ટ પરથી જીપ્‍સમના કન્‍ટેનરમાં ૨૦૫ કિલો હેરોઇન જથ્‍થો મળી આવ્‍યો જેની બજાર કિંમત ૧૪૩૯ કરોડ થાય છે. જે કનસાઇન્‍ટમેન્‍ટ ઈરાનથી આવ્‍યું હતું. પરતું ગુજરાતમાં બન્ને કન્‍ટેનરમાં રહેલું હેરોઇન કયાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્‍સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ મોટા પાયે ડ્રગ્‍સનો જથ્‍થો ડ્રગ્‍સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્‍સ ઓપરેન્‍ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે જણાવ્‍યું કે સુતળીને હેરોઇનમાં ડુબાડીને આ પ્રકારનો જથ્‍થો તૈયાર કરીને કન્‍ટેનરમાં મોકલ્‍યાં હતાં, ATSને જાણકારી મળતાં ATS અને DRI દ્વારા જોઈન્‍ટ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ૩૯૫ કિલો સુતળીનો જથ્‍થો ઝડપાયો હતો જેમાં ૮૦થી ૯૦ કિલો હેરોઇન છુપાવાયું હતું જે જપ્ત કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્‍તાન અને ઇરાનથી નજીક હોવાથી ડ્રગ માફિયાઓ દ્વારા તેને પહેલાં ટાર્ગોટ કરવામાં આવે છે.

(1:51 pm IST)