Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

એક નવી પહેલ : જૂનાગઢમાં ભૂદેવોના પગલાં અને ભોજન પછી કલરવ હોસ્‍પિટલનો શુભારંભ

જૂનાગઢઃ ડો.કિશન તથાᅠ ડો.રીતુ પરસાણિયા કલરવ હોસ્‍પિટલ નામથી ગાયનેક હોસ્‍પિટલ શરૂ કરવા જઈ રહ્યા છે.મોટાભાગે હોસ્‍પિટલના ઉદ્‍દ્યાટન પ્રસંગે નામાંકિત ડોક્‍ટર્સ, પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓ, જ્ઞાતિ અગ્રણીઓ, અધિકારીશ્રીઓ તેમજ સગા સંબંધીઓને નિમંત્રણ અપાતું હોય છે.પરંતુ કિશનના પિતા રમેશભાઈ પરસાણિયા અને માતા ઈન્‍દુબહેનને સંસ્‍કારના બળે એવો શુભ વિચાર આવ્‍યો કે મારા પુત્ર અને પુત્રવધૂની હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન સમયે સૌ પ્રથમ ભૂદેવના પાવન પગલાં થાય તો !.... એટલું જ નહિ, ભાવતા ભોજન કરાવી એમના આશીર્વાદ પણ મેળવીએ. આ વિચારને એમણે અમલમાં પણ મૂક્‍યો. તા. ૨૬ એપ્રિલના સમી સાંજે જૂનાગઢના લગભગ ૪૦૦ જેટલા ભૂદેવોનું કલરવ હોસ્‍પિટલ ખાતે આગમન થયું હતું. સૌ ભૂદેવ પરિવારને આવકારતા પરસાણિયા પરિવાર ભાવવિભોર થઈ ગયેલ.  દરમિયાન એક નાનકડા પણ ભવ્‍ય કાર્યક્રમમાં ડો.દંપતીએ સંકલ્‍પ કર્યો કે અહીં આવનાર કોઈની દીકરી કે પુત્રવધૂને પેઈનલેસ ડીલેવરી થાય એવા પ્રયત્‍નો હશે. ઉપરાંત બાળકના જન્‍મ સમયે વૈદિક મંત્રોનો ધ્‍વનિ એમના કર્ણપટલ પર પડે એવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.જેથી આ પૃથ્‍વી પર ઉત્તમ બાળક અવતરિત થાય. બ્રહ્મસમાજના કર્મનિષ્ઠ અને સેવાભાવી અગ્રણીઓનું પુષ્‍પગુચ્‍છ અને શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં બ્રહ્મ સમાજના અગ્રણી છેલભાઈ જોશી, કે.ડી.પંડ્‍યા, પ્રફુલભાઈ જોશી, આરતીબેન જોશી,ગાયત્રીબહેન જાની તેમજ રાજય અને રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક એલ.વી.જોશીનું સન્‍માન કરવામાં આવેલ. ધીરુભાઈ પુરોહિતે બ્રહ્મની તેજોમય વાણીમાં સુંદર સંચાલન કર્યું હતું. આ આયોજનને સફળ બનાવવા અશોકભાઈ પુરોહિત અને શૈલેષભાઈ પંડ્‍યાએ જહેમત ઊઠાવી હતી.

(1:02 pm IST)