Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વિશ્વ પશુ ચિકિત્‍સવક દિવસ-૨૦૨૨

જામનગર જિલ્લામાં કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ-૧૯૬૨ દ્વારા ૧૨,૨૧૨ અબોલ પશુઓની સારવાર કરવામાં આવી

જામનગરઃ વિશ્વભરમાં પ્રતિ વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે, વિશ્વ પશુ ચિકિત્‍સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વિશ્વભરના પશુ ચિકિત્‍સકો દ્વારા કરવામાં આવતાં પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને પણ  સન્‍માનિત કરવામાં આવે છે.

આ વર્ષે ૩૦મી એપ્રિલ, ૨૦૨૨ ના રોજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્‍થામાં કાર્યરત તમામ પશુ ચિકિત્‍સકો દ્વારા ઉજવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ સંગોષ્ટી, તાલીમ, રસીકરણ જેવાં વિવિધ પ્રોત્‍સાહિત કરતાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

  ગુજરાત સરકાર અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના સંયુક્‍ત ઉપક્રમે ૬ ઓકટોબર, ૨૦૧૭ ના રોજ ૧૯૬૨ કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ સેવા અને ૨૨ જૂન, ૨૦૨૦ ના રોજ દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની સેવાની શરૂઆત કરવામાં આવે છે.

હાલમાં જિલ્લામાં ૩૭ કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ કાર્યરત છે. જે સવારના ૮ થી રાતના ૮ વાગ્‍યા સુધી કાર્યરત હોય છે અને શહેર અથવા જિલ્લા મુખ્‍ય મથક ખાતે નિસહાય પશુઓને સેવા પૂરી પાડે છે. કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ વિવિધ મેડિકલ સાધનો દ્વારા સુસજ્જ હોય છે.જેમાં નાની-મોટી સર્જરી પણ કરી શકાય છે. જેવી રીતે આકસ્‍મિક સંજોગોમાં લોકોને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની સેવા મળી રહે છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્‍મિક સંજોગો સર્જાય ત્‍યારે ઈમરજન્‍સી સેવા મળી રહે તેવા હેતુથી રાજય સરકારે નિઃશૂલ્‍ક ૧૯૬૨ સેવા શરૂ કરી છે.

જેમાં કરુણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ -૧૯૬૨ થકી જામનગર જિલ્લામાં ૧૨,૨૧૨ અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.જેમાં સૌથી વધારે ૭,૦૮૯ રખડતાં કુતરાઓને સારવાર આપી પીડામાંથી મુક્‍ત કરેલ છે.

ગુજરાત સરકાર જીવદયા અને કરુણાને વરેલી છે જેનાં પગલે મૂંગા જીવોના જીવન રક્ષણ માટે વ્‍યાપક કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે.જેના ભાગ રૂપે રાજયના પશુ પાલન વિભાગ મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ૨૦૨૨ માં ઉત્તરાયણ સમયે કરુણા અભિયાન હાથ ધરવામાં આવેલ જેમાં ૮૮ જેટલી એમ્‍બ્‍યુલન્‍સનો સ્‍ટાફ ખડેપગે કાર્યરત રહેલ અને ૯,૮૦૦ થી પણ વધુ એનિમલ ઈમરજન્‍સીને પ્રતિસાદ આપેલ છે. દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના તરીકે દરરોજ જુદા-જુદા ગામોમાં નિヘતિ સમયે એમ્‍બ્‍યુલન્‍સ જાય છે અને દરેક ગામના પશુ ધનને સારવાર આપે છે. એટલું જ નહીં ઈમરજન્‍સીના સંજોગોમાં કોઈપણ સ્‍થળે દોડી જઈ ઈમરજન્‍સી સેવા પણ આપે છે. જેનાં કારણે અત્‍યાર સુધી માલધારીઓને પશુઓની સારવાર માટે જે દોડાદોડી કરવી પડતી હતી અને તગડો ખર્ચ કરવો પડતો હતો તેમાથી મુક્‍તિ મળી છે.

તેમજ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવાં પાલતુ પ્રાણી જ નહીં પરંતુ શેરીમાં રખડતા કુતરાં કે અન્‍ય રેઢિયાળ ઢોર તથા વન્‍ય પ્રાણીઓની પણ આ સેવા દ્વારા સારવાર કરાઇ રહી છે.  આ સેવા અંતર્ગત અત્‍યાર સુધીમાં ૧,૪૦,૫૨૫ એનિમલને ઈમરજન્‍સીમાં સારવાર આપવામાં આવેલ છે.તેમજ શિડ્‍યુલ કેસમાં ગામમાં, વાડીએ જઈને, ખેતરે તેમજ તબેલામાં જઈને ૨૭,૯૭,૧૫૮ પશુધનને સારવાર આપવામાં આવેલ છે. અત્‍યાર સુધીમાં ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનાની એમ્‍બ્‍યુલન્‍સ સર્વિસમાં ૨૯,૩૭,૬૮૩ પશુધનને સારવાર આપેલ છે. જેમાં ૭૧,૦૦૦ જેટલી સર્જરી કરીને અબોલા જીવને નવજીવન આપેલ છે. તેમજ ૩૭,૬૮૪ પશુઓની સલામત રીતે પ્રસૂતિ કરાવેલ છે.

આ ખાસ આવસર પર જામનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ તેમજ નાયબ પશુપાલન નિયામકશ્રી  એ. સી. વિરાણી તેમજ શ્રી માવાણી તથા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. સંસ્‍થાના સી.ઓ.ઓ. શ્રી જશવંત પ્રજાપતિ દ્વારા પણ આ દિવસ નિમિતે સ્‍વસ્‍થ પશુપાલન માટે નિયમિત જરૂરી પશુ ચિકિત્‍સા અને અસામાન્‍ય સ્‍થિતિમાં પણ પશુઓને ૧૯૬૨ તથા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા નિરંતર સેવા આપતાં જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. તથા ગુજરાત સરકારના તમામ પશુ ચિકિત્‍સકોને શુભકામનાઓ પાઠવી છે.

(11:16 am IST)