Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ભાવનગરના જન્‍મદિનની આચાર્ય દેવવ્રતજી-ભૂપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતીમાં ઉજવણી કરાશે

સોમવારથી ત્રિદિવસીય ભાવનગર કાર્નિવલ : રંગારંગ કાર્યક્રમો યોજાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૦: કોરોના કાળના અંતરાલ બાદ આ વર્ષે ફરી ભાવનગર કાર્નિવલનું આયોજન કરાયું છે. તારીખ ૨, ૩ અને ૪ મે ના રોજ પ્રખ્‍યાત કલાકારો અને કલા સંસ્‍થાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમો કૈલાસ વાટિકા ખાતે યોજાશે તો ભાવનગરના ૨૯૯મા જન્‍મ દિવસની ઉજવણીના આ ઉત્‍સવમાં સહભાગી થવા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ  તેમજ અન્‍ય મંત્રીઓ અને અગ્રણીઓ ભાવનગરના મહેમાન પણ બનાવવાના છે.

ભાવનગર જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા ભાવનગર કાર્નિવલ - ૨૨ નું આયોજન તા. ૨, ૩, ૪ મે- સોમ, મંગળ, બુધવારના કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમનો પ્રારંભ પહેલી મેને રવિવારે વોલ પેઇન્‍ટિંગ તથા મહા આરતી સાથે થશે. આ રીતે ભાવનગર ગુજરાત સ્‍થાપના દિનની ઉજવણીમાં જોડાશે.

બીજી તારીખને સોમવારે આચાર્ય દેવવ્રતજીની ઉપસ્‍થિતિમાં આ કાર્નિવલનો વિધિવત પ્રારંભ થશે અને સાથે સુખ્‍યાત કલાકારો પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, સાંઈરામ દવે દ્વારા ગીત સંગીત અને સાહિત્‍યનો કાર્યક્રમ કૈલાસ વાટીકા, બોર તળાવ ખાતે યોજાશે. ત્રીજી તારીખ અને અક્ષય તૃતીયાના દિવસે ભાવનગરનો સ્‍થાપના દિવસ છે. આ દિવસે સાંજે ૫ કલાકે ભવ્‍ય તિરંગાયાત્રા, મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીને પુષ્‍પાંજલિ અર્પણ સહિતના કાર્યક્રમ યોજાશે. ત્‍યાર બાદᅠ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં સાંજે ૭ કલાકે કૈલાસ વાટિકા, બોરતળાવ ખાતેᅠ રાષ્ટ્રની પ્રખ્‍યાત કલા સંસ્‍થાઓ દ્વારા લોકનૃત્‍ય અને સમૂહ નૃત્‍યનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.

ચાર મે, બુધવારે સવારે સ્‍વચ્‍છતા અભિયાન સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે તો સાંજે ૭ કૈલાસ વાટીકા ખાતે જીગરદાન (જીગરા), દેવ પગલી અને સાંત્‍વના ત્રિવેદીનો લોકસંગીત સાહિત્‍ય અને ગીત -સંગીતનો ભવ્‍ય ડાયરો યોજાશે. કૈલાસ વાટીકા ખાતે વિશાળ સ્‍ટેજની તૈયારી શરૂ થઈ ગઈ છે તો સમગ્ર તળાવ જ નહીં પરંતુ ભાવનગરમાં ઠેર ઠેર રોશની ઓથી શણગારનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ત્રણેય દિવસ દરમિયાન અન્‍ય કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે અને ભાવનગર કાર્નિવલ દરમિયાન શિક્ષણ મંત્રી વાઘાણી સતત હાજર રહેવાના છે તો મંત્રીઓ, અગ્રણીઓ, સંતો- મહંતો, ઉદ્યોગપતિઓ પણ આ મહોત્‍સવમાં જોડાશે. ભાવનગરનો રાજવી પરિવાર પણ આ ઉત્‍સવનો સહભાગી બન્‍યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવનગર જન્‍મોત્‍સવ સમિતિ અને ભાવનગરના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:14 am IST)