Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

દિન દયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાને ગુજરાત સરકાર દ્વારા 'ડાયનેમિક બ્યુરોક્રેટ' એવોર્ડ એનાયત

કોરોના કાળ દરમ્યાન માલ સામાનની હેરફેરમાં દેશમાં નંબર વન, ગુજરાતનું ગૌરવ અંતર્ગત ભૂપેન્દ્રભાઈ પટેલે એવોર્ડ એનાયત કર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : ગુજરાત સ્થાપના દિન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ એવોર્ડ વિતરણ સમારોહ અમદાવાદ મધ્યે યોજાઈ ગયો. જેમાં દિન દયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાને 'ડાયનેમિક બ્યુરોક્રેટ' એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એનાયત કર્યો હતો. કોરોના કાળ દરમ્યાનના બન્ને વર્ષોમાં દેશમાં આયાત નિકાસની હેરફેરમાં દિન દયાળ પોર્ટ કંડલા નંબર વન રહ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૨૭ મિલિયન મેટ્રિક ટન જેટલા વિક્રમી માલ સામાનની હેરફેર કરી દેશના બંદરીય ઇતિહાસમાં નવો જ કીર્તિમાન સ્થાપિત કરાયો છે. કોરોનાના સમયમાં લોકોની સુવિધા અર્થે દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સામાજિક સેવાના ભાગ રૂપે ૩ નવા ઓકિસજન પ્લાન્ટ ઊભા કરાયા હતા. ડીપીએ ચેરમેન એસ.કે. મેહતા એ તેમના કાર્યકાળ દરમ્યાન એક લાખ દસ હજાર વૃક્ષો વાવી ગાંધીધામમાં રોટરી ફોરેસ્ટ નું નિર્માણ કરાવ્યું છે.

      ડીપીએ પોર્ટ ઓથોરિટી ના જન સંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી ના જણાવ્યા પ્રમાણે આ એવોર્ડ મહા બંદરના વિકાસના યોગદાનને ધ્યાને લઇને અપાયો છે.

(10:23 am IST)