Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ખોડલધામ ખાતે ખોડિયાર જયંતિની ઉજવણી

ખોડલધામ મહિલા સમિતી દ્વારા ધ્વજારોહણ-અન્નકૂટ-મહાઆરતી-મહાપ્રસાદનું આયોજન : ગરબાની રમઝટ

રાજકોટ, તા.૩૦ : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂરૂ થયું છે. ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામમાં દિવસેને દિવસે ભકતોની ભીડ વધી રહી છે. અહીં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં  મા ખોડલના પ્રગટ્ય દિવસ ખોડિયાર જયંતિની ઉજવણી ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતી દ્વારા કરવામાં આવી હતી.

મહાસુદ આઠમ એટલે જગત જનની મા ખોડીયારનો પ્રાગટ્યદિન. કાગવડ ખાતે બિરાજમાન મા ખોડલમાં લોકોની આસ્થા દિવસે દિવસે વધી રહી છે. ખોડલધામમાં ખોડિયાર જયંતિના દિવસે મહિલા સમિતી દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં મહિલા સમિતીની બહેનો હાજર રહી હતી. મહિલા સમિતીની બહેનો દ્વારા સવારથી મંદિરમાં શણગાર કરવામાં આવ્યો હતો. બપોરે ૧૧ વાગ્યે માતાજીને ૨૫૧થી વધુ અવનવી વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતિના પાવન દિવસે ખોડલધામ મહિલા સમિતી દ્વારા દિવસ દરમિયાન ૫ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે અન્નકૂટની મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦થી વધુ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મહાપ્રસાદ લીધા બાદ બધા બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ખોડીયાર જયંતિ નિમીત્તે રાજકોટ, ગોંડલ, પોરબંદર, જૂનાગઢ, જેતપુર, ધોરાજીમાંથી ખોડલધામ મહિલા સમિતીના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બહેનો માટે એક માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માં ખોડલનો પ્રાગટ્ય દિવસ હોવાથી ખોડિયાર જયંતિના દિવસે સવારથી જ લોકોની ભીડ મંદિરમાં જોવા મળી હતી. આ દિવસે ખાસ માતાજીને શણગાર કરવામાં આવ્યો હતો. અવનવી વાનગીઓના અન્નકૂટના અને માતાજીના ખાસ શણગારના દર્શન કરીને લોકો ધન્ગ બન્ગા હતા. (૨૪.૪)

(1:16 pm IST)