Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જામનગરમાં બિલાડી શોધવા નિકળ્યા તો કોથળામાંથી બિલાડુ નિકળ્યું !

તસ્વીરમાં પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૯ :. જામનગરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગએ દેખા દીધી હોવાની અને બાળકોને ઉઠાવી જતી હોવાની અફવા બાદ તપાસ કરતા કોથળામાંથી બિલાડુ નિકળ્યુ હોય તેવી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલાવાડ નાકા પાસેના વિસ્તારમાં રહેતા એક પરિવારે બિલાડી પાળી હતી અને આ બિલાડી ગૂમ થઈ જતા માતા-પુત્રી આ બિલાડીને શોધવા માટે રાત્રીના સમયે નિકળ્યા હતા ત્યારે લોકોને એમ થયુ કે આ બન્ને મહિલા બાળકોને ઉઠાવી જવા પ્રયાસ કરી રહી છે અને આ અંગે જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલ સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.

પોલીસે માતા-પુત્રીની પૂછપરછ કરતા તેઓ કોઈ બાળકોને ઉઠાવવા આવ્યા નથી પરંતુ પોતાની બિલાડી ગુમ થઈ ગઈ હોવાથી તેની શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવતા પોલીસે તેમનુ નિવેદન નોંધી લીધુ હતું. આ બનાવની જાણ થતા પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

(3:32 pm IST)