Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યાના દાવાથી હોબાળો

જૂનાગઢના કેશોદ વિસ્તારની ઘટના : ડબ્બામાં દુર્ગંધ આવતા ડબ્બો ખોલવામાં આવ્યો હતો, જે બાદમાં અંદર મરેલો ઉંદર હોવાની જાણ થઈ હતી

જુનાગઢ,તા.૨૯ : જૂનાગઢ જિલ્લાના કેશોદના કપાસિયાના તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખળભળાટ મચી ગયો છે. કેશોદના એક પરિવારે આવો દાવો કર્યો છે. ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યા બાદ પરિવાર સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતત છે. કારણ કે પરિવાર છેલ્લા ૧૨ દિવસથી તેલ આરોગતો હતો. પરિવારના સભ્યોને તેલમાં ઉંદર હોવાની જાણ થયા બાદ તમામ ખૂબ ચિંતામાં આવી ગયા છે. મળતી માહિતી પ્રમાણે કેશોદ ગૌતમ રાવલિયા નામના શ્રમિકને ત્યાં કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. મામલે ગૌમત રાવલિયાએ નગરપાલિકાના આરોગ્ય વિભાગને અરજી કરી છે. અરજીમાં તેમણે આરોપ લગાવ્યો કે શહેરના કનૈયા પ્રોવિઝન સ્ટોરમાંથી તેમણે તેલનો ડબ્બો ખરીદ્યો હતો. ૧૨ દિવસ તેમના સમગ્ર પરિવારે તેલ આરોગ્યું છે. ડબ્બામાં દુર્ગંધ આવતા ગૌતમભાઈએ ડબ્બો તોડ્યો હતો. જે બાદમાં અંદર મરેલો ઉંદર હોવાની જાણ થઈ હતી. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેલના ડબ્બા અંગે દુકાનદારો કોઈ જવાબદારી લેવાનો ઇક્નાર કરી દીધો હતો અને ઉડાઉ જવાબ આપ્યો હતો.

જે બાદમાં ગૌતમભાઈએ નગરપાલિકા, મામલતદાર તથા કલેક્ટર સુધી અરજી આપી હતી. બીજી તરફ જાણીતી તેલ કંપનીના ડિલરનો દાવો છે કે અમને ફરિયાદ મળશે તો અંગે યોગ્ય તપાસ કરીશું. મામલે શ્રમિક ગૌતમ રાવલિયાએ જણાવ્યું હતું કે, મેં કનુભાઈ કરિયાણાવાળા પાસેથી તેલનો ડબ્બો લીધો હતો. ડબ્બાના તેલનો ઉપયોગ કરતી વખતે અમને વાસ આવી હતી. અમે ફરિયાદ કરી હતી કે તેલમાં વાસ આવે છે. લોકોએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે ૧૦ લોકો તેલ લઈ ગયા છે તેમને કોઈ સમસ્યા નથી તો તમને કેમ વાસ આવે છે? ૧૫ દિવસ બાદ તેલનો ડબ્બો અડધો થયો ત્યારે ખોલીને જોયું તો તેમાંથી મૃત ઉંદર મળી આવ્યો હતો. અમને ડર છે કે આવું તેલ ખાવાથી પરિવારના સભ્યો બીમાર પડી શકે છે. એટલું નહીં,

દુકાનદાર જે એજન્સી પાસેથી તેલની ખરીદી કરી હતી તેનું નામ આપવાનો પણ ઇક્નાર કરે છે. કેશોદ ખાતે તેલની બ્રાન્ડના એજન્ટે મામલે જણાવ્યું હતું કે, 'મને મીડિયા મારફતે તેલમાંથી ઉંદર નીકળ્યાની માહિતી મળી છે. આવું કેવી રીતે થઈ શકે તેના વિશે અમે ખુદ આશ્ચર્યમાં છીએ. પેક ડબ્બાની અંદર આવું કેવી રીતે થઈ શકે? કોઈ ફરિયાદ હોય તો અમે તેને સ્વીકારવા માટે તૈયાર છીએ. અમને અહીં કોઈ ફરિયાદ મળી નથી. કપાસિયા તેલનો કલર ઓરેન્જ હોય છે, કલર જે છે એમાં પીળો કલર બતાવવામાં આવ્યો છે.

(7:39 pm IST)